ગંભીર બની ગયેલા ઍર-પૉલ્યુશને રાજધાનીના લોકોને કર્યા બીમાર
દિલ્હીમાં આવેલું અક્ષરધામ પ્રદૂષણના સકંજામાં
દિલ્હીમાં વણસી રહેલી હવાની ક્વૉલિટીને લીધે શ્વાસ અને છાતીમાં ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળ્યો છે. નોએડામાં આવેલી કૈલાશ હૉસ્પિટલના સિનિયર ચેસ્ટ ફિઝિશ્યન ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસમાં શ્વાસને લગતી બીમારીના દરદીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. અમુક લોકોને તો ઇન્ફેક્શનને લીધે કફ થઈ ગયો હોવાથી સાદી દવાથી તેમને સારું થતું નથી. જે લોકોને પહેલેથી શ્વાસની તકલીફ છે એ લોકોની હાલત અત્યારે સૌથી ખરાબ છે.’
હવાના પ્રદૂષણને કારણે અત્યારે જે લોકોને ઍલર્જી કે બીજી કોઈ તકલીફ નથી તેમને પણ શ્વાસની તકલીફ થઈ રહી હોવાના કિસ્સા દિલ્હીમાં અત્યારે બની રહ્યા છે. દિલ્હીમાં આવેલી ફોર્ટિસ એસ્કોર્ટ્સ હૉસ્પિટલના પલ્મોલૉજી ડિપાર્ટમેન્ટના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અવી કુમારે કહ્યું હતું કે ‘અમારા આઉટ પેશન્ટ્સ ડિપાર્ટમેન્ટ (OPD)માં દરદીઓ શ્વાસ લેવામાં તકલીફ, કફ, ગળામાં તકલીફ, શરદી, નાક બંધ થવું, આંખમાં ખૂંચવું, કાન બંધ થઈ જવા જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. આમાંના મોટા ભાગના દરદીઓ ઇમર્જન્સીમાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ન્યુમોનિયાના દરદીઓ પણ ઍડ્મિટ થઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે એમાંથી મોટા ભાગના પેશન્ટ્સને નથી ધૂમ્રપાનની આદત કે નથી તેઓ નબળી રોગપ્રતિકારક શક્તિવાળા. હું અત્યારે દિલ્હીવાસીઓને એ જ સલાહ આપીશ કે જેમને પણ હેલ્થ ઇશ્યુ હોય તેમણે ઘરમાં જ રહેવું જોઈએ અને સૂરજ નીકળે તો જ મૉર્નિંગ વૉક માટે જવું જોઈએ.’
ADVERTISEMENT
પ્રદૂષણ ઘટાડવા ઑફિસના ટાઇમિંગમાં ફેરફાર થયા
દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશીએ પ્રદૂષણમાં ઘટાડો કરવાના આશયથી સરકારી ઑફિસના ટાઇમિંગમાં ફેરફાર કર્યા છે. આજથી મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હીના કર્મચારીઓ સવારે ૮.૩૦થી સાંજે પાંચ વાગ્યા સુધી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ સવારે ૯થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી અને દિલ્હી સરકારના કર્મચારીઓ સવારે ૧૦.૦૦થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી કામ કરશે. એ સિવાય ગઈ કાલથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન-૩ને અમલમાં મૂકી દેવામાં આવ્યો છે જેને લીધે બાંધકામ, ડિમોલિશન, માઇનિંગ સહિતની ઍક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.