૧૪ જુલાઈએ શ્રીહરિકોટા સતિશ ધવન સ્પેશ સેન્ટરથી ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લૉન્ચ કરવામાં આવ્યું હતું
ફાઇલ તસવીર
ઇસરોએ કહ્યું કે ચંદ્રયાન-3 લૉન્ચ વેહિકલના રૉકેટ ઉપરનો ભાગ બુધવારે ફરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો છે અને પૅસિફિક મહાસાગરમાં પડ્યો છે. ઇસરોએ એક નિવેદનમાં કહ્યું કે ‘LVM3M4 લૉન્ચ વેહિકલ ક્રાયોજેનિકનો ઉપરનો ભાગ અનિયંત્રિત રીતે બુધવારે બપોરે ૨.૪૨ વાગ્યે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો.’ ૧૪ જુલાઈએ શ્રીહરિકોટા સતિશ ધવન સ્પેશ સેન્ટરથી ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેના એક મહિના પછી ચંદ્રયાન-3 વિક્રમ લૅન્ડર તેના પ્રજ્ઞાન રૉવર સાથે ૨૩ ઑગસ્ટે ચંદ્ર પર સફળ ઉતરાણ કરતાં ઐતિહાસિક દૃશ્યો સર્જાયાં હતાં. આ ઘટનાએ ભારતને ચંદ્રના સાઉથ પોલ પર ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનાવી દીધો છે, જે ચંદ્ર પર ઉતરાણ કરનાર ચોથો દેશ પણ બની ગયો છે. ૧૦ દિવસના નોંધનીય પરિક્ષણ બાદ લૅન્ડર અને રૉવર સ્લિપ મોડ પર જતા રહ્યા હતા. ઇસરોએ કહ્યું કે આ લૉન્ચિંગના ૧૨૪ દિવસ પછી રૉકેટનો એક ભાગ ફરી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો.


