વધતી જતી ઇનપુટ કૉસ્ટ, મોંઘો થઈ રહેલો કાચો માલ, ઑપરેશનલ ખર્ચમાં વધારો, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય વગેરે કારણોસર કંપનીઓ ભાવવધારો કરી રહી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરિવાર માટે નવી કાર ખરીદવાનું વિચારી રહેલા કસ્ટમરોએ કાર ખરીદવા માટે વધારે વિચારવાની જરૂર નથી, કારણ કે પહેલી એપ્રિલથી ૮ કારનિર્માતા કંપનીઓએ કારની કિંમતોમાં એકથી ૪ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આથી આવતા મંગળવાર પહેલાં કાર ખરીદવા માટે તમારી પાસે માત્ર એક અઠવાડિયાનો જ સમય રહ્યો છે. વધતી જતી ઇનપુટ કૉસ્ટ, મોંઘો થઈ રહેલો કાચો માલ, ઑપરેશનલ ખર્ચમાં વધારો, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય વગેરે કારણોસર કંપનીઓ ભાવવધારો કરી રહી છે.
દેશમાં સૌથી મોટી કારઉત્પાદક મારુતિ સુઝુકી, હ્યુન્દાઇ મોટર્સ અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ ભાવવધારાની જાહેરાત કરી દીધી છે. આ સિવાય તાતા મોટર્સ, હૉન્ડા ઇન્ડિયા, રેનૉ ઇન્ડિયા, કિયા ઇન્ડિયા અને BMW (બવેરિયન મોટર વર્ક્સ)એ પણ બેથી ત્રણ ટકા ભાવવધારાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ડોમેસ્ટિક પૅસેન્જર વેહિકલમાં ટોચની ઉત્પાદક એવી મારુતિ સુઝુકીએ એની કારની કિંમતોમાં ૪ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. આ કંપની એન્ટ્રી લેવલથી હાઈ-એન્ડ સુધીની ૪.૨૩ લાખ રૂપિયાથી લઈને ૨૯.૨૨ લાખ રૂપિયાની કિંમત સુધીની લગભગ તમામ સેગમેન્ટની કાર બનાવે છે. બીજી તરફ હ્યુન્દાઇ મોટર્સે પણ પહેલી એપ્રિલથી કારની કિંમતોમાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે. તાતા મોટર્સે પણ એની તમામ પૅસેન્જર વેહિકલ શ્રેણી અને ઇલેક્ટ્રિક કારની કિંમતમાં આશરે ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે. કંપની આ વર્ષમાં બીજી વાર ભાવવધારો કરી રહી છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્રએ પણ ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે.
આ સિવાય રેનૉ ઇન્ડિયા, કિયા ઇન્ડિયા, હૉન્ડા કાર્સ ઇન્ડિયા અને BMWએ પણ પહેલી એપ્રિલથી કારની કિંમતમાં બેથી ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે.

