રાજ્ય વિધાનસભાનાં બન્ને ગૃહમાં આ સંબંધમાં ઠરાવ પસાર કરવાની બોમ્મઈએ જાહેરાત કરી
Belagavi Dispute
નાગપુરમાં વિધાનભવનની બહાર પ્રેસને સંબોધી રહેલા દેવેન્દ્ર ફડણવીસ
બેલગાવી (કર્ણાટક) : કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો બૉર્ડર વિવાદ વધુ વકરે એવી સ્થિતિ જણાઈ રહી છે. કર્ણાટક વિધાનસભાનાં બન્ને ગૃહ આ વિવાદને લઈને એક ઠરાવ પસાર કરશે. આ ઠરાવ રાજ્ય સરકારના એ વલણને અનુરૂપ જ રહેશે કે એક પણ ઇંચ જમીન પાડોશી રાજ્યને આપવામાં નહીં આવે.
ગઈ કાલે વિધાન પરિષદમાં આ મુદ્દે ચર્ચા દરમ્યાન કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ જ રાજ્યની વિધાનસભાનાં બન્ને ગૃહમાંથી સર્વાનુમતે એક ઠરાવ પસાર કરવાની વાત કહી હતી.
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે ‘સરહદના વિવાદ પરની ચર્ચામાં સરકારનો જવાબ આપતી વખતે જો દરેક જણ સંમત હોય તો આપણે બન્ને ગૃહમાં રાજ્યના વલણને ફરીથી જણાવતો એક ઠરાવ પસાર કરીશું. ઑલરેડી આપણે આવા ઠરાવો પસાર કરી ચૂક્યા છીએ, આપણે એ જ વાત ફરીથી જણાવીશું.’
વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સહિત તમામ પૉલિટિકલ પાર્ટીઓના સભ્યો આ વાતથી સંમત થયા હતા. આ ચર્ચા શરૂ કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કોઈ વિવાદનો કોઈ સવાલ જ નથી. મહાજન પંચના રિપોર્ટમાં પહેલાં જ સરહદના વિવાદનો ઉકેલ આવી ગયો છે.
તાજેતરમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનોની આ મુદ્દે એક મીટિંગ મળી હતી, જેના વિશે બોમ્મઈએ કહ્યું હતું કે ‘આ મામલે કોઈ જ અસ્પષ્ટતા કે મૂંઝવણ નથી. આ મીટિંગમાં રાજ્યના સ્ટૅન્ડને ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કરવામાં આવ્યું હતું. હું રાજ્યના સ્ટૅન્ડથી એક ઇંચ પણ પીછેહઠ નહીં કરું.’
આ પહેલાં સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં મુખ્ય પ્રધાને જવાની જરૂર નહોતી, કેમ કે સરહદના મુદ્દાને જીવંત રાખવા અને રાજકીય રીતે લાભ લેવા માટે આ વિવાદ હોવાનું મહારાષ્ટ્ર રજૂ કરવા ઇચ્છે છે.
વળી, મુખ્ય પ્રધાને બન્ને રાજ્યોમાંથી ત્રણ પ્રધાનોને સમાવતી એક કમિટીની રચના કરવાના પ્રસ્તાવને પણ સ્વીકારવો નહોતો જોઈતો, જેના સંબંધમાં બોમ્મઈએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનોની મીટિંગ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા કાયદા-વ્યવસ્થાના સંબંધમાં બોલાવવામાં આવી હતી અને સંઘીય માળખામાં અમારે મીટિંગમાં ભાગ લેવાની જરૂર હતી.’ આ સીમાવિવાદ ભાષાના આધારે રાજ્યોની ફેરરચના બાદ ૧૯૫૭થી છે. મહારાષ્ટ્ર બેલગાવી પર દાવો કરે છે, જે આ પહેલાં બૉમ્બે પ્રેસિડન્સીનો એક ભાગ હતો અને ત્યાં નોંધપાત્ર સંખ્યામાં મરાઠીભાષી લોકો રહે છે.