સીમાવિવાદને લઈને ચાલી રહેલા ઘમસાણ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાને આપ્યો વિપક્ષોને જવાબ ઃ કર્ણાટક પોલીસે મરાઠીભાષી લોકો પર હુમલો કર્યો તેમ જ અમુકની ધરપકડ કરી હોવાથી વિપક્ષે કર્યો હલ્લાબોલ
ગઈ કાલે નાગપુરમાં વિધાનભવનની બહાર પ્રેસને સંબોધી રહેલા દેવેન્દ્ર ફડણવીસ
સીમાવિવાદને લઈને ગઈ કાલે નાગપુર વિધાનભવનમાં પણ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જબરદસ્ત ચડસાચડસી જોવા મળી હતી. કર્ણાટક પોલીસે મરાઠીભાષી લોકો પર હુમલો કર્યો તેમ જ ઘણાને અરેસ્ટ કર્યા હોવાથી વિપક્ષો ભારે નારાજ થયા હતા અને તેમણે સરકાર પાસેથી આ બાબતે શું પગલાં લેવામાં આવ્યાં છે એવો પ્રશ્ન સરકારને કર્યો હતો. એના જવાબમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાઉસમાં કહ્યું હતું કે આ બાબતે કર્ણાટકના મુખ્ય પ્રધાન સમક્ષ અમે વિરોધ નોંધાવીશું. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે આ ૬૦ વર્ષ જૂનો વિવાદ હોવાથી એનું એક કલાકમાં સમાધાન લાવવું શક્ય નથી.
દરમ્યાન રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે રાજ્યએ કર્ણાટકના મરાઠીભાષી વિસ્તારોના લોકોના પડખે ઊભા રહેવું જોઈએ. આ સાથે જ તેમણે રાજકીય પક્ષોને પાડોશી રાજ્યના મરાઠીભાષી સમુદાયને કોઈ ઈજા ન પહોંચે એ રીતે વર્તણૂક કરવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર સીમા નજીક આવેલાં ગામોના વિકાસાર્થે ખાસ કાર્યક્રમ શરૂ કરશે અને તેમના પડતર પ્રશ્નો ઉકેલશે.
નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ગૃહમાં આ પ્રશ્ન ઉઠાવતાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સમક્ષ એવું નક્કી થયું હતું કે લોકોને અટકાવવામાં નહીં આવે, તો જિલ્લા કલેક્ટર કોઈ વિધાનસભ્ય (ધૈર્યશીલ માને)ને ત્યાં પ્રવેશતા કેવી રીતે અટકાવી શકે? મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને દૃઢ વલણ લેવું જોઈએ.’ આ મામલે એકનાથ શિંદેએ કહ્યું હતું કે અજિત પવારે ઉઠાવેલો મુદ્દો મહારાષ્ટ્રની દૃષ્ટિએ મહત્ત્વનો છે, એમાં કોઈ બેમત નથી.
મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાને પ્રથમ વખત આ મામલે દરમ્યાનગીરી કરી છે. તેમણે બેઠક બોલાવી હતી. આપણે સૌએ સરહદ વિસ્તારમાં રહેનારા લોકોના પડખે ઊભા રહેવું જોઈએ, તેમના સંઘર્ષને ટેકો આપવો જોઈએ અને તેમને હાનિ ન પહોંચે એ રીતે વર્તન કરવું જોઈએ.’
રાજ્યના નેતાને બેલગાવીમાં પ્રવેશ પર પ્રતિબંધને વિપક્ષોએ વખોડ્યો
રાજ્યની વિધાનસભાના શિયાળુ સત્રની સોમવારે નાગપુરમાં શરૂઆત થઈ હતી અને વિરોધ પક્ષોએ કર્ણાટક સાથેના સીમાવિવાદનો મુદ્દો ઉઠાવીને વિધાનસભ્ય ધૈર્યશીલ માનેના પાડોશી રાજ્ય કર્ણાટકના બેલગાવી જિલ્લામાં પ્રવેશ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને વખોડ્યો હતો. મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ વિશે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી રિટ પિટિશન સંદર્ભે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રચવામાં આવેલી એક્સપર્ટ સમિતિના વડા તરીકે ધૈર્યશીલની વરણી કરવામાં આવી હતી. ધૈર્યશીલ માનેએ બેલગાવી જિલ્લાના તંત્રને તેમની શહેર મુલાકાતની વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી. જોકે જિલ્લા તંત્રએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં કહ્યું હતું કે તેમના ઉશ્કેરણીજનક વક્તવ્યથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. વિધાન ભવન સંકુલમાં પત્રકારો સાથે વાત કરતાં વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘શિવસેનાના વિધાનસભ્ય ધૈર્યશીલ માનેને બેલગાવીમાં પ્રવેશવા નહોતા દેવાયા. અમે આ ઘટનાને વખોડીએ છીએ.’ વિધાનપરિષદના વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ પણ ધૈર્યશીલના બેલગાવીમાં પ્રવેશ પર મુકાયેલા આ પ્રતિબંધને વખોડ્યો હતો.