લોકો પાઇલટ અને ટ્રેનના સ્ટાફને કંઈ થયું નથી અને તેઓ સલામત છે
અકસ્માતની ભયાનકતાનો ચિતાર આપતી તસવીર. એક્સિડન્ટ પછી ક્રેનથી ઉપાડવામાં આવી રહેલા ડબ્બા.
તામિલનાડુમાં ચેન્નઈ પાસે બાગમતી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે કવરાઈપેટ્ટઈ રેલવે-સ્ટેશન પાસે ઊભી રહેલી માલગાડી સાથે ટકરાઈ હતી અને એમાં ૧૯ પ્રવાસી ઘાયલ થયા હતા. આ અકસ્માતની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શરૂ કરી દીધી છે. NIAની ટીમ અકસ્માત-સ્થળે પહોંચી ગઈ અને ભાંગફોડની આશંકા વચ્ચે તપાસ હાથ ધરી છે.
કેવી રીતે થયો અકસ્માત?
ADVERTISEMENT
મૈસૂરથી દરભંગા જઈ રહેલી ૧૨૫૭૮ બાગમતી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે કવરાઈપેટ્ટઈ રેલવે-સ્ટેશન પાસે ઊભી રહેલી માલગાડી સાથે ટકરાઈ હતી જેના કારણે ટ્રેનના ૧૨ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા જેમાં ૧૯ પ્રવાસી ઘાયલ થયા હતા. એક કોચ અને પાર્સલ-વૅનમાં આગ લાગી હતી. ટ્રેનમાં ૧૩૬૦ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા.
મેઇન લાઇનનું ગ્રીન સિગ્નલ
આ મુદ્દે સાઉથ રેલવેના જનરલ મૅનેજર આર. એન. સિંહે જણાવ્યું હતું કે ટ્રેને ૮.૨૭ વાગ્યે પોન્નેરી સ્ટેશન ક્રૉસ કર્યું હતું અને બાગમતી એક્સપ્રેસને મેઇન લાઇન પર જવા માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું. કવરાઇપેટ્ટઈ રેલવે-સ્ટેશનમાં પહોંચતાં પહેલાં લોકો પાઇલટ અને ટ્રેનના ક્રૂને જોરદાર ઝટકો લાગ્યો હતો અને ટ્રેન મેઇન લાઇન છોડીને લૂપ લાઇનમાં જતી રહી હતી ત્યાં પહેલેથી માલગાડી ઊભી હતી અને એની સાથે ટકરાઈ હતી. આ ઘટના અસાધારણ છે.
બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે આ અકસ્માત કદાચ સિગ્નલ નિષ્ફળ જવાથી થયાની આશંકા છે.
૭૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ
ચેન્નઈથી ૪૧ કિલોમીટર દૂર કવરાઇપેટ્ટઈ પાસે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ મેઇન લાઇનમાં ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી હતી અને એકાએક તે લૂપ લાઇનમાં જતી રહી હતી અને એ ઊભી રહેલી માલગાડી સાથે ટકરાઈ હતી. રેલવે-અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે ટ્રેન લૂપ લાઇનમાં કેવી રીતે જતી રહી.
ટ્રેન સ્ટાફ સલામત
લોકો પાઇલટ અને ટ્રેનના સ્ટાફને કંઈ થયું નથી અને તેઓ સલામત છે. કોચ અને પાર્સલ-વૅનમાં લાગેલી આગને થોડા જ સમયમાં બુઝાવી દેવામાં આવી હતી. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.
પ્રવાસીઓ માટે સ્પેશ્યલ ટ્રેન
અકસ્માતના કારણે ફસાઈ ગયેલા પ્રવાસીઓને બસો દ્વારા ચેન્નઈ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આગળના
પ્રવાસ માટે સ્પેશ્યલ ટ્રેન રવાના કરવામાં આવી હતી.