આયુર્વેદિક દવાથી ડાયાબિટીઝ, કોવિડ-19 અને મેદસ્વિતા ઘટાડવાના દાવા સામે પડકારઃ આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદની દિવ્ય ફાર્મસી સામે પણ જામીનપાત્ર વૉરન્ટ
બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદની માર્કેટિંગ કંપની દિવ્ય ફાર્મસી સામે કેરલામાં પલક્કડના જુડિશ્યલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ–ટૂએ જામીનપાત્ર વૉરન્ટ કાઢ્યાં છે. ૧૬ જાન્યુઆરીએ તેમણે કોર્ટમાં હાજર રહેવાનું હતું, પણ તેઓ ઉપસ્થિત ન રહેતાં કોર્ટે આ પગલું ભર્યું છે. કેરલામાંથી આ પ્રકારનું વૉરન્ટ પહેલી વાર નીકળ્યું છે.
પતંજલિ આયુર્વેદની દવાઓના પ્રમોશન માટે આપવામાં આવતી જાહેરાતોમાં પુરાવા વિનાના દાવા કરવામાં આવતાં ઑક્ટોબર ૨૦૨૪માં કેસ નોંધાયો હતો. તેમની દવાઓની જાહેરાતમાં બ્લડપ્રેશર, કોવિડ-19, મેદસ્વિતા અને ડાયાબિટીઝનો ઉપચાર થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વારંવાર સમન્સ કાઢવામાં આવ્યા છતાં તેઓ હાજર ન રહેતાં કોર્ટે વૉરન્ટ બહાર પાડ્યું છે અને કેસની સુનાવણી ૧ ફેબ્રુઆરીએ મુકરર કરી છે.
ADVERTISEMENT
કેરલામાં ૧૦ કેસ
પતંજલિ આયુર્વેદ સામે કેરલાના કોઝીકોડમાં ૪, પલક્કડમાં ૩, એર્નાકુલમમાં બે અને તિરુવનંતપુરમમાં એક મળીને કુલ ૧૦ કેસ નોંધાયા છે.