કેજરીવાલે રવિવારે બે દિવસમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી હતી
અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)એ ગઈ કાલે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાનપદેથી અરવિંદ કેજરીવાલ આજે રાજીનામું આપશે અને નવી સરકારની રચના એક અઠવાડિયામાં પૂરી થઈ જશે.
આ સંદર્ભે દિલ્હીના પ્રધાન સૌરભ ભારદ્વાજે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘સોમવારની રજા બાદ મંગળવાર પહેલો વર્કિંગ દિવસ છે અને કેજરીવાલ રાજીનામું આપશે. રાજીનામું સ્વીકારાઈ ગયા બાદ પાર્ટીના વિધાનસભ્યોની બેઠક મળશે જેમાં નવા મુખ્ય પ્રધાનની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ પસંદ કરાયેલા મુખ્ય પ્રધાન સરકાર રચવાનો દાવો કરશે. ૭૦ સભ્યોની વિધાનસભામાં અમારા ૬૦ સભ્યો હોવાથી નવા મુખ્ય પ્રધાનને સરકાર રચવામાં કોઈ તકલીફ નહીં પડે અને એક અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.’
કેજરીવાલે રવિવારે બે દિવસમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી હતી. સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે નવો મુખ્ય પ્રધાન કોણ બનશે એની મને જાણ નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ શોભાના ગાંઠિયા જેવા મુખ્ય પ્રધાન છે, કારણ કે તેમને ઑફિસમાં જવાનો અને કોઈ ફાઇલ પર હસ્તાક્ષર કરવાનો અધિકાર નથી. જોકે આ આરોપને સૌરભ ભારદ્વાજે ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ‘લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવતી તમામ ફાઇલો પર સહી કરવાની કેજરીવાલને પરવાનગી છે. ૨૦૧૫થી તેઓ પૂરી બહુમતી સાથેના મુખ્ય પ્રધાન છે અને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ પણ તેમણે સારી કામગીરી બજાવી છે. લોકોમાં કેજરીવાલને ફરીથી મુખ્ય પ્રધાનપદે ચૂંટવાની ઇન્તેજારી છે.’