દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં હોય એમ કહીને રાજ્યસભામાં અમિત શાહનો સપાટો
ગઈ કાલે રાજ્યસભામાં બોલતા અમિત શાહ.
શુક્રવારે રાજ્યસભામાં બજેટસત્રના આઠમા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે છેલ્લાં ૧૦ વર્ષમાં દેશની સુરક્ષા માટે થયેલાં કામોનું સરવૈયું રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં સુરક્ષા વધુ મજબૂત બની છે. સમય પ્રમાણે પરિવર્તન જરૂરી હોય છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે. ચાર દાયકાથી દેશમાં ત્રણ ઘા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પહેલો ઘા હતો, બીજો નક્સલવાદ હતો અને ત્રીજો ઉત્તર-પૂર્વમાં બળવાખોરીનો હતો. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરી. આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી. પાછલી સરકાર આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.’
અમિત શાહે બીજું શું-શું કહ્યું?
ADVERTISEMENT
દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં હોય
મોદી સરકાર આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિ ધરાવે છે. અમે આતંકવાદને યોગ્ય જવાબ આપ્યો છે. દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં ચાલે. અમે એક દેશમાં બે કાયદાઓનો અંત લાવ્યા. પાછલી સરકારે વોટ-બૅન્કને કારણે કલમ ૩૭૦ દૂર કરી નહોતી. હવે લાલ ચોક પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. પહેલાં આતંકવાદીઓનાં જુલૂસ નીકળતાં હતાં. હવે આતંકવાદીઓને જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જ દફનાવવામાં આવે છે. ૧૦ વર્ષ પહેલાં આતંકવાદીઓનું મહિમામંડન થતું હતું.
આતંકવાદ અને નક્સલવાદ અમને વારસામાં મળ્યા
વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું બદલાયું છે. પાછલી સરકારે આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ આપણને વારસા તરીકે સોંપ્યા હતા. ૨૦૧૪માં જ્યારે અમારી સરકાર બની ત્યારે અમે આ ત્રણ મોરચે લડ્યા. આના પર કામ હજી પણ ચાલુ છે. હું ગર્વથી કહું છું કે ૧૦ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગૃહમંત્રાલયમાં લાંબા સમયથી પડતર ફેરફારો એક જ વારમાં કર્યા છે.
UPA સરકારમાં ૩૩ વર્ષ સુધી સિનેમા હૉલ પણ ખૂલ્યા નહોતા
જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષના ૩૩ વર્ષના શાસન દરમ્યાન સિનેમા હૉલ પણ ખૂલ્યા નહોતા, જે અમારા સમયમાં ખૂલ્યા. G20 બેઠકમાં દુનિયાભરના રાજદ્વારીઓ ગયા હતા. અમે બધા લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવા પણ ગયા હતા. ૨૦૨૫માં કાશ્મીરમાં એક પણ હડતાળ નથી થઈ. હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સમયે એક પણ ગોળી નથી ચાલતી.
ભારતને ઇઝરાયલ-અમેરિકાની યાદીમાં લાવી દીધું
પુલવામામાં હુમલો વડા પ્રધાન મોદીના આગમન પછી થયો હતો. આ પછી ભારતે શું કર્યું? બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હુમલો કર્યો. આતંકવાદ અને નક્સલવાદ દેશ માટે એક સમસ્યા બની ગયા હતા. ઉરી-પુલવામા હુમલા પછી હવાઈ હુમલાએ ભારતને ઇઝરાયલ અને અમેરિકાની યાદીમાં લાવી દીધું. અમે આ દેશોની જેમ વર્ત્યા છીએ.
નક્સલવાદનો અંત લાવવા માટે ડેડલાઇન આપી દીધી
અમારું લક્ષ્ય નક્સલવાદનો અંત લાવવાનું છે. અમે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને નક્સલવાદ સામે લડી રહ્યા છીએ. ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. આપણા સૈનિકો ત્યાં તહેનાત છે જ્યાં સૂર્ય પણ પહોંચતો નથી. છત્તીસગઢમાં સરકાર બદલાયાના માત્ર એક વર્ષમાં ૩૮૦ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જેમાં ગઈ કાલના ૩૦ હજી ઉમેરવાના બાકી છે. ૧૧૪૫ નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦૪૫ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ બધું કરતી વખતે ૨૬ સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા.
હિન્દીથી જ મજબૂત થાય છે તમામ ભારતીય ભાષાઓ : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ત્રિ-ભાષા ફૉર્મ્યુલાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટૅલિન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ‘હિન્દીથી તમામ ભારતીય ભાષાઓ મજબૂત થાય છે અને ભારતીય ભાષાઓથી હિન્દી મજબૂત થાય છે. ભાષાના નામ પર દેશને તોડવાની રાજનીતિ ન થવી જોઈએ, દેશ ખૂબ આગળ વધી ચૂક્યો છે. ભ્રષ્ટાચારથી બચવા માટે ભાષા-વિવાદ ઊભો કરવામાં આવી રહ્યા છે. અમે તામિલ ભાષાના વિરોધી નથી, પરંતુ તમામ ભારતીય ભાષાઓને મજબૂત કરવાના પક્ષમાં છીએ. અમે મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસને ભારતીય ભાષાઓમાં શરૂ કર્યો. તામિલનાડુ સરકાર તામિલમાં મેડિકલ એન્જિનિયરિંગ કોર્સ શા માટે શરૂ નથી કરતી? ભવિષ્યમાં જ્યારે અમારી સરકાર તામિલનાડુમાં આવશે તો અમે તામિલમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરીશું.’

