એવિયેશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં થયેલા વધારાની અસર પૅસેન્જરોના પૉકેટ પર થશે
પ્રતીકાત્મક તસવીર
દેશમાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો કરવામાં આવતાં વિમાનની ટિકિટોના દરમાં વધારો થવાની ધારણા છે. ATFના દર પ્રતિ કિલોલીટરે ૧૩૧૮ રૂપિયા વધારવામાં આવ્યા છે. ગયા મહિને એમાં ૨૯૪૧.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ ગઈ કાલથી અમલી બન્યા હતા. વિમાનની ટિકિટના દર નક્કી કરવામાં ફ્યુઅલ-કૉસ્ટને સૌથી પહેલાં ધ્યાનમાં લેવામાં આવે છે.
કમર્શિયલ ગૅસ-સિલિન્ડરના ભાવ વધ્યા હોટેલ અને રેસ્ટોરાં દ્વારા વાપરવામાં આવતા કમર્શિયલ ગૅસ-સિલિન્ડરના ભાવમાં પણ ગઈ કાલથી ૧૬.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૯ કિલોના સિલિન્ડરનો ભાવ મુંબઈમાં હવે ૧૭૭૧ રૂપિયા થયો છે. ગયા પાંચ મહિનામાં આ સિલિન્ડરના ભાવમાં ૧૭૨.૫૦ રૂપિયાનો વધારો થયો છે અને એ હાલ સૌથી મોંઘા ભાવે મળી રહ્યું છે. જોકે ૧૪.૨ કિલોગ્રામના ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવ ૮૦૩ રૂપિયા રહ્યા છે, એમાં વધારો કરાયો નથી.