પીપી કાંડ બદલ ઍર ઇન્ડિયાને ૩૦ લાખ રૂપિયાનો દંડ
ફાઇલ તસવીર
નવી દિલ્હી : ઍર ઇન્ડિયા પેશાબ કાંડમાં ગઈ કાલે આરોપી શંકર મિશ્રાના વકીલોએ ચોંકાવનારો દાવો કર્યો હતો. આ વકીલોએ જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાએ એના ખામીવાળા રિપોર્ટમાં કાલ્પનિક બાબતો ઉમેરી છે, કેમ કે શંકર મિશ્રાએ 9A સીટ પર બેસેલાં ફરિયાદી પર કેવી રીતે પેશાબ કર્યો હોઈ શકે એનો પૂરતો ખુલાસો તેમની પાસે પણ નથી. આ ઍરલાઇને ધારી લીધું કે આ ઍરક્રાફ્ટમાં બિઝનેસ ક્લાસમાં 9બી સીટ હતી અને કલ્પના કરી હતી કે શંકર મિશ્રાએ ‘કાલ્પનિક’ સીટ પર ઊભા રહીને 9A સીટ પર પેશાબ કર્યો હશે. જોકે આ ઍરક્રાફ્ટમાં બિઝનેસ ક્લાસમાં કોઈ 9B સીટ નથી. માત્ર 9A અને 9C જ સીટ્સ છે.
પેશાબ કાંડમાં ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ ઍર ઇન્ડિયાને ૩૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથે જ એની જે ન્યુ યૉર્ક-દિલ્હી ફ્લાઇટમાં નશામાં એક પૅસેન્જરે મહિલા પર પેશાબ કર્યો હતો એના પાઇલટ-ઇન-ચાર્જનું લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કર્યું હતું. ડીજીસીએએ પોતાની ફરજ નિભાવવાનું ચૂકી જવા બદલ ઍર ઇન્ડિયાના ડિરેક્ટર-ઇન-ફ્લાઇટ સર્વિસને પણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગયા વર્ષે ૨૬મી નવેમ્બરના પેશાબ કાંડ બદલ આ ઍરલાઇને ગુરુવારે જ આરોપી શંકર મિશ્રા પર ચાર મહિનાનો બૅન મૂક્યો હતો. આ ઘટનાની તપાસ માટે ઍર ઇન્ડિયાએ એક કમિટી બનાવી હતી. શંકર આ કમિટીના નિર્ણયથી સંમત નથી.