આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તપાસ કરવામાં આવી હતી અને પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદની ૧૫ વર્ષની ટીનેજર ૧૨ ઑગસ્ટે રાતે ઉત્તરાખંડ રોડવેઝની બસમાં દિલ્હીથી દેહરાદૂન જતી હતી ત્યારે બસમાં પાંચ જણે તેના પર બળાત્કાર કર્યો હતો. આ સંદર્ભે ઉત્તરાખંડ પોલીસે ગુનો નોંધીને બસના મુખ્ય ડ્રાઇવર, ક્લીનર, કૅશિયર, બીજા ડ્રાઇવર અને સ્વીપર એમ કુલ મળીને પાંચ જણની ધરપકડ કરી છે. બસના ડ્રાઇવરે તેને દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે એકલી જોઈને બસમાં બેસવા કહ્યું હતું. છોકરીના કહેવા મુજબ તે અનાથ છે.
દેહરાદૂનમાં તે એકલી-અટૂલી બહુ ખરાબ હાલતમાં એસટી-સ્ટૅન્ડ પર બેસેલી જોવા મળી હતી. એથી પોલીસે બાળકો માટેના ૧૯૦૮ નંબર પર ફોન કરીને વિગત જણાવી હતી. એ પછી તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે પટિયાલા, દિલ્હી, મુરાદાબાદથી આવી હોવાનું જણવાતી હતી. તેનું કાઉન્સેલિંગ કરીને ધીમે-ધીમે વિગતો મેળવાઈ ત્યારે તે મુરાદાબાદની હોવાનું જણાઈ આવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેના પર પાંચ જણે બળાત્કાર કર્યો હતો. એથી આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તપાસ કરવામાં આવી હતી અને પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા. પીડિતાને મેડિકલ માટે મોકલીને સારવાર આપવામાં આવી રહી છે એમ પોલીસે જણાવ્યું હતું.