દિલ્હીમાં ગઈ કાલે વહેલી સવારે ૫.૩૬ વાગ્યે આવેલા ભૂકંપને પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા : રિક્ટર સ્કેલ પર ૪ની તીવ્રતા ધરાવતા ધરતીકંપને કારણે પલંગ અને દીવાલો હલવા લાગ્યાં
ધરતીકંપને લીધે વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દિલ્હીમાં ગઈ કાલે ધરતીકંપને લીધે પચીસેક વર્ષ જૂૂનું વૃક્ષ ઊખડી ગયું હતું.
દિલ્હી નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ગઈ કાલે વહેલી સવારે ધરતીકંપના તીવ્ર આંચકા મહેસૂસ થયા હતા અને ૫.૩૬ વાગ્યે આવેલા આ ભૂકંપની સાથે મોટો ધડાકો પણ સંભળાયો હતો. આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરોની બહાર દોડી આવ્યા હતા અને સવાર-સવારમાં ભારે દહેશતનું વાતાવરણ ફેલાયું હતું. આ પહેલાં જાન્યુઆરીમાં પણ તિબેટમાં થયેલા શક્તિશાળી ભૂકંપના ઝટકા દિલ્હીવાસીઓએ અનુભવ્યા હતા.
બારી-બારણાં, પલંગ હલવા લાગ્યાં
ADVERTISEMENT
ધરતીકંપથી ઘરનાં બારી-બારણાં અને પલંગ હલવા લાગ્યાં હતાં. ઘણા લોકોનાં ઘરમાં ઘરવખરી પણ હલવા લાગી હતી અને ધરતીમાં કંપન પણ મહેસૂસ કરતા હોવાનું જણાવ્યું હતું. નોએડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ધરતીકંપના ઝટકા મહેસૂસ થયા હતા. જોકે કોઈ પણ જાતના જાનમાલના નુકસાનની માહિતી આવી નથી. વૃક્ષો પર બેસેલાં પક્ષીઓ પણ જોરદાર અવાજને કારણે અહીં-તહીં ઊડવા લાગ્યાં હતાં. ઘણાં વર્ષો બાદ દિલ્હીમાં સવાર-સવારમાં આટલા શક્તિશાળી ધરતીકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. ઘણી સેકન્ડો સુધી ધરતી હલતી નજરે પડી હતી. ઊંઘમાંથી ઊઠેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
રિક્ટર સ્કેલ પર તીવ્રતા
નૅશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા અનુસાર ગઈ કાલે સવારે પાંચ વાગીને ૩૬ મિનિટ અને પંચાવન સેકન્ડે ધરતીકંપ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા ૪ માપવામાં આવી હતી.
શક્તિશાળી કેમ મહેસૂસ થયો?
આ ધરતીકંપ રિક્ટર સ્કેલ પર માત્ર ૪ની તીવ્રતાનો હતો છતાં એ શક્તિશાળી હોવાનું મહેસૂસ થયું હતું. વિજ્ઞાનીઓ જણાવે છે કે એનું કેન્દ્રબિંદુ પેટાળમાં માત્ર પાંચ કિલોમીટર નીચે હોવાથી રિલીઝ થયેલી એનર્જી ઝડપભેર બહાર આવી એટલે એ શક્તિશાળી મહેસૂસ થયો હતો.

