લાખો રૂપિયાની માલમતા ચોરી કરનારા આરોપીને શોધવા વિવિધ ટીમ કામ કરી રહી છે
CCTV કૅમેરાની પ્રતીકાત્મક તસવીર
ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં મંગળવારે સવારે અમદાવાદથી મુંબઈ મુસાફરી કરી રહેલા ગિરગામનાં ૪૬ વર્ષનાં તૃષ્ણા વોરાની સાત લાખ રૂપિયાની માલમતા ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાંથી ચોરાઈ હોવાની ફરિયાદ ગઈ કાલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોધાઈ હતી. સોમવારે રાતે અમદાવાદથી મુસાફરી શરૂ કરી તૃષ્ણાબહેન અને તેમના પતિ ચિરાગ સૂઈ ગયાં હતાં જેનો લાભ લઈને ચોર તૃષ્ણાબહેનની હૅન્ડબૅગ લઈને નાસી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી પ્લૅટફૉર્મ ઉપરાંત ટ્રેનમાં લાગેલાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આરોપીની ઓળખ શરૂ કરી છે.
લાખો રૂપિયાની માલમતા ચોરી કરનારા આરોપીને શોધવા વિવિધ ટીમ કામ કરી રહી છે એમ જણાવતાં વસઈ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે સાડાદસ વાગ્યાની આસપાસ વોરા પરિવારે અમદાવાદથી ગુજરાત એક્સપ્રેસમાં મુસાફરી શરૂ કરી રાતે તેઓ સૂઈ ગયાં હતાં. સવારે પાંચ વાગ્યાની આસપાસ જ્યારે તૃષ્ણાબહેનની નીંદર ખૂલી
ત્યારે તેમણે બાજુમાં રાખેલી હૅન્ડબૅગ મળી નહોતી. ત્યાર બાદ કોચમાં હૅન્ડબૅગ શોધવામાં આવી હતી. જોકે ચોરી થયા હોવાની ખાતરી થઈ જતાં ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી આવી હતી. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. ચાલુ ટ્રેનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે એટલે કઈ જગ્યા પર ચોરી થઈ એની ચોક્કસ માહિતી અમને મળી નથી. એ જાણવા અમે પ્લૅટફૉર્મ ઉપરાંત ટ્રેનમાં લાગેલાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ.’

