નાશિકના સાવતરનગર પરિસરમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા પંકજા મુંડેની સ્થાનિક ઉમેદવાર સીમા હીરે માટેની પ્રચારસભા યોજાઈ હતી ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને BJPના કાર્યકરો વચ્ચે જોરદાર રાડો થયો હતો
નાશિકમાં પોલીસ-સ્ટેશનની બહાર જમા થયેલા BJP અને UBTના કાર્યકરો
નાશિકના સાવતરનગર પરિસરમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા પંકજા મુંડેની સ્થાનિક ઉમેદવાર સીમા હીરે માટેની પ્રચારસભા યોજાઈ હતી ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને BJPના કાર્યકરો વચ્ચે જોરદાર રાડો થયો હતો. એકબીજા વચ્ચે હાથાપાઈ થવાથી કેટલાંકનાં શર્ટ ફાટ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાનું પોલીસે કહ્યું હતું. પંકજા મુંડેની સભા ચાલતી હતી ત્યારે UBTના ઉમેદવાર સુધાકર બડગુજર મતદારોને રૂપિયા વહેંચી રહ્યા હોવાની માહિતી મળતાં BJPના કાર્યકરોએ સભાસ્થળની બહાર જઈને UBTના કાર્યકરોને પડકાર્યા હતા. આથી બન્ને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં તેમની વચ્ચે જોરદાર ધક્કામુક્કી અને હાથાપાઈ થઈ હતી. આ ઘટના બાદ નાશિકના અંબડ પોલીસ-સ્ટેશનના પરિસરમાં પણ બન્ને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સભા પૂરી થયા બાદ પંકજા મુંડે અંબડ પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. તેમણે પોલીસને રૂપિયા વહેંચતા લોકો સામે કાર્યવાહી કરવાનું પોલીસને કહ્યું હતું અને પક્ષના કાર્યકરોને શાંત રહેવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ નાશિકમાં આવી જ રીતે BJP અને UBTના કાર્યકરો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો, પણ બાદમાં પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.