જય દુધાણે પર ૪.૬૧ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
છેતરપિંડીના કેસમાં પકડાયેલા મરાઠી ઍક્ટર અને ફિટનેસ-ટ્રેઇનર જય દુધાણેનાં ૨૪ ડિસેમ્બરે લગ્ન થયાં હતાં.
મરાઠી બિગ બૉસ સીઝન–૩ના રનર-અપ અને ફિટનેસ-ટ્રેઇનર, મૉડલ અને ઍક્ટર જય દુધાણેની મુંબઈ ઍરપોર્ટ પર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. થાણે પોલીસે જણાવ્યું હતું કે ‘એક નિવૃત્ત એન્જિનિયર દ્વારા નોંધાવવામાં આવેલા FIR બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે દુધાણે અને તેના પરિવારના ૪ સભ્યોએ થાણેમાં બૅન્કમાં ગિરવી મૂકેલી પાંચ કમર્શિયલ દુકાનો વેચીને ૪.૬૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ માહિતી આપી હતી કે પ્રખ્યાત ફિટનેસ-ટ્રેઇનર અને મૉડલ જય દુધાણેની શનિવારે ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ૨૪ ડિસેમ્બરે જ જય દુધાણેનાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર હર્ષલા પાટીલ સાથે લગ્ન થયાં હતાં. નવપરિણીત દંપતી હનીમૂન પર વિદેશ જઈ રહ્યું હતું ત્યારે જયની ધરપકડ કરવામાં આવી હતી. જય દુધાણેએ છેતરપિંડીના આક્ષેપોને હસી કાઢ્યા હતા અને હું આ બાબતથી ગભરાતો નથી એમ જણાવતાં કહ્યું હતું કે ‘અમે હનીમૂન માટે વિદેશ જઈ રહ્યાં હતાં ત્યારે ઇમિગ્રેશનમાં કોઈ અનનૉન લુક આઉટ સર્ક્યુલરને કારણે અમને રોકી દેવાયાં છે. મને જુડિશ્યરી પર પૂરતો વિશ્વાસ છે અને હું તપાસમાં પૂરો સહકાર આપીશ.’
ADVERTISEMENT
FIRમાં જણાવવામાં આવ્યું છે કે જય દુધાણેએ બૅન્ક-લોન પર ખરીદેલી એ દુકાનોની લોન ચૂકવાઈ ગઈ છે એ દર્શાવવા પીડિત સામે નકલી બૅન્ક-ક્લિયરન્સ લેટર અને ૪.૯૫ કરોડ રૂપિયાના નકલી ડિમાન્ડ ડ્રાફ્ટ સહિતના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. બૅન્કે મિલકત પર જપ્તીની નોટિસ જારી કરી ત્યારે છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. પોલીસે જય દુધાણે અને તેમના પરિવારના ૪ અન્ય સભ્યો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ છેતરપિંડી અને બનાવટ કરવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.


