Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર પર ફાયરિંગ કરનારા ત્રણેય ૧૫ કલાકમાં પકડાઈ ગયા

ટાઇગર પર ફાયરિંગ કરનારા ત્રણેય ૧૫ કલાકમાં પકડાઈ ગયા

Published : 20 October, 2026 11:28 AM | Modified : 20 October, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને પગલે શૂટરોનું પગેરું મેળવીને કોટાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને માહિતી આપી કે તેઓ કોટાથી નેપાલ ભાગી જવાની વેતરણમાં છે 

કોટામાં પોલીસના કબજામાં આરોપીઓ.

કોટામાં પોલીસના કબજામાં આરોપીઓ.


ત્રણેય આરોપીઓ બોરીવલીથી કૅબ પકડીને સુરત પહોંચ્યા, ત્યાંથી પુણે-જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં બેઠા અને કોટા સ્ટેશન પર ટ્રેનમાંથી પકડાઈ ગયા ઃ મુંબઈ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને પગલે શૂટરોનું પગેરું મેળવીને કોટાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસને માહિતી આપી કે તેઓ કોટાથી નેપાલ ભાગી જવાની વેતરણમાં છે 

૧૭ વર્ષનો ફૂલ સિંહ અને ૧૮ વર્ષનો રેહાન  હરિયાણાના તથા બાવીસ વર્ષનો હૃતિક ઉર્ફે રોશન અંધેરીનો, જે રૅપિડોની બાઇક-ટૅક્સીના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો



બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર જુહુના પુષ્પા નરસી પાર્ક વિસ્તારમાં રવિવારે સાંજે અજાણ્યા શૂટર્સ દ્વારા ગોળીબાર કરવાની ઘટના બની હતી. એમાં ટાઇગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેનો ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ ભાગી છૂટેલા ત્રણેય શૂટર્સને મુંબઈ પોલીસ, રાજસ્થાન ઍન્ટિ-ગૅન્ગસ્ટર ટાસ્ક ફોર્સ અને કોટા પોલીસે એક અત્યંત સફળ સંયુક્ત ઑપરેશન કરીને માત્ર ૧૫ કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે-સ્ટેશન પરથી ઝડપી લીધા છે.


ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે તાત્કાલિક ઍક્શન-પ્લાન અમલમાં મૂક્યો હતો. ઘટનાસ્થળની આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જપ્ત કરવામાં આવ્યાં હતાં અને સાઇબર તેમ જ ટેક્નિકલ ટીમને કામે લગાડવામાં આવી હતી. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ૧૫ ટીમ બનાવીને, આ મામલે સક્રિયતા બતાવીને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની હત્યાના પ્રયાસની ગંભીર કલમો તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ટેક્નિકલ સર્વેલન્સના આધારે કોટા પોલીસને આપવામાં આવ્યાં ઇનપુટ્સ


મુંબઈ પોલીસની ટેક્નિકલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે ટ્રૅક કર્યું કે હુમલાખોરો મુંબઈથી પુણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ભાગી રહ્યા છે. મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રાજતિલક સિંહે તરત જ તેમનાં બૅચમેટ અને કોટાનાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) તેજસ્વિની ગૌતમનો સંપર્ક કર્યો હતો. ગઈ કાલે સવારે ૯.૨૫ વાગ્યે મળેલી ગુપ્ત માહિતીમાં કોટા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારા આરોપીઓ ટ્રેનમાં કોટા થઈને નેપાલ ભાગી જવાના છે અને તેમને કોઈ પણ ભોગે ઝડપવાના છે.

કોટા પોલીસનું માસ્ટર ઑપરેશન અને રેલવે-સ્ટેશન પર નાકાબંધી

કોટાનાં SP તેજસ્વિની ગૌતમે
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને માત્ર પચીસ મિનિટનો સમય મળ્યો હતો, કારણ કે ટ્રેન સવારે ૧૦ વાગ્યે કોટા
રેલવે-સ્ટેશન પર આવવાની હતી. સમયની નજાકત જોતાં મેં સિટી-પોલીસ અને રેલવે-પોલીસની સંયુક્ત ટીમ બનાવી અને ૯૦ ટકા સ્ટાફને સિવિલ ડ્રેસમાં રેલવે-સ્ટેશનની અંદર તહેનાત કરી દીધો હતો. આરોપીઓ પાસે હથિયારો હોવાની સંભાવના અને તેઓ આત્મરક્ષણ માટે કંઈ પણ કરી શકે એ ડરને ધ્યાનમાં રાખીને, કોઈને શંકા ન જાય એ રીતે અધિકારીઓ ટ્રેનમાં ચડી ગયા હતા. ટ્રેન આવતાં માત્ર ૭ મિનિટની અંદર જનરલ કોચમાંથી અમારી ટીમે ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા અને તેમને પોલીસ-સ્ટેશન લઈ આવ્યા હતા.’

આરોપીઓની ઓળખ, બૅકગ્રાઉન્ડ અને મુંબઈ સુધીની તેમની સફર

પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શૂટર્સની ઓળખ હરિયાણાના સોનીપતના ૧૭ વર્ષના ફૂલ સિંહ, અંધેરી-વેસ્ટના રહેવાસી બાવીસ વર્ષના હૃતિક કુમાર ઉર્ફે રોશન (જે મુંબઈમાં રૅપિડો બાઇક ટૅક્સી-રાઇડર તરીકે કામ કરતો હતો) અને ૧૮ વર્ષના રેહાન (જે પણ હરિયાણનો રહેવાસી છે) તરીકે થઈ છે. આ ત્રણેય આરોપીઓએ અગાઉથી રેકી કરીને પ્લાન ઘડ્યો હતો કે ટાઇગર શ્રોફ દર રવિવારે સાંજે જુહુની સ્પોર્ટ્સ ક્લબમાં ફુટબૉલ રમવા જાય છે. રવિવારે સાતેક વાગ્યે જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે બાઇક પર આવેલા શૂટર્સે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પણ ટાઇગર બચી ગયો હતો અને આરોપીઓ બાઇક અંધેરી સ્ટેશન પર મૂકી ટ્રેન મારફત બોરીવલી તરફ ભાગ્યા હતા. ત્યાંથી તેઓ મહારાષ્ટ્રના રજિસ્ટ્રેશન નંબરવાળી ઍપ-બેઝ્ડ ટૅક્સીમાં સુરત પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ બસમાં આગળ નીકળવાના હતા, પણ પ્લાન બદલીને પુણે-જયપુર સુપરફાસ્ટ ટ્રેન પકડીને કોટા પહોંચ્યા હતા. સુરત સ્ટેશન પરના CCTV કૅમેરાનાં ફુટેજમાં રવિવારે મોડી રાતે ૧.૩૧ વાગ્યે તેઓ એક્ઝિટ ગેટ પર દેખાયા હતા. મુંબઈ પોલીસના સતત મૉનિટરિંગને પગલે આરોપીઓની મૂવમેન્ટની માહિતી મળી રહી હતી. એને પગલે કોટા પોલીસને માહિતી આપીને તેમને પકડવામાં આવ્યા હતા. તેઓ દિલ્હીથી નેપાલ તરફ ભાગવાના હતા.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો તાબો અને આગળની સઘન તપાસ
કોટા પોલીસે સફળ ઑપરેશન પાર પાડીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા બાદ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમ ગઈ કાલે મોડી સાંજે કોટા પહોંચી હતી અને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને આરોપીઓનો તાબો મેળવી લીધો હતો. હાલમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને મુંબઈ લાવીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી પાછળ કયા માસ્ટરમાઇન્ડનો હાથ છે, તેમને હથિયારો કોણે પૂરાં પાડ્યાં હતાં અને લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથેના તેમના નેટવર્કની ઊંડાણપૂર્વક કડીઓ જોડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

જુહુના ફુટબૉલ ગ્રાઉન્ડની અને ટાઇગરના ઘરની અનેક વાર રેકી કરી ચૂક્યા હતા અટૅકરો
પોલીસે જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ટાઇગર શ્રોફના ઘરની તથા જુહુ નજીક જમનાબાઈ નરસી ગ્રાઉન્ડની અનેક વખત રેકી કરી હતી અને ટાઇગરની હિલચાલ પર નજર રાખી હતી. કોઈને શંકા ન જાય એ માટે તેઓ જોડી બનાવીને રેકી કરવા માટે આવતા હતા. ટાઇગર શ્રોફ ફુટબૉલપ્રેમી છે અને પોતે પણ ફુટબૉલ રમે છે. 
દર રવિવારે ટાઇગર શ્રોફ જમનાબાઈ નરસી ગ્રાઉન્ડમાં સાંજના સમયે ફુટબૉલ રમવા માટે અચૂક આવે છે એ વાત હુમલાખોરો જાણી ગયા હતા અને એને ધ્યાનમાં રાખીને હુમલાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. એ જ વખતે નજીકમાં ચિલ્ડ્રન્સ પાર્ટી પણ હતી જેના કારણે મોટી સંખ્યામાં ભીડ હતી. સ્થાનિક લોકો પણ ટાઇગર શ્રોફ સાથે ફોટો પડાવવા માટે કે રીલ બનાવવાનો ચાન્સ મળી જાય એ માટે રવિવારે સાંજે અહીં એકઠા થતા હોય છે જેનો લાભ લઈને હુમલાખોરો ભીડમાં ભળી ગયા હતા. જોકે રવિવારે તેણે ગેટની નેટમાંથી જ ફૅન્સ સાથે વાતો કરી હતી. તે બહાર આવ્યો નહોતો, નહીંતર હુમલાખોર તેને ત્યાં જ ટાર્ગેટ કરે એવી પણ શક્યતા હતી. 
હુમલાખોરોએ તેના ઘરની પણ રેકી કરી હતી. તેના ઘરમાં અને એની આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં પણ હુમલાખોરો દેખાયા છે. હવે પોલીસ હુમલાખોરોએ કેટલી વખત ઘરની રેકી કરી હતી એ CCTV ફુટેજ દ્વારા જાણવાનો પ્રયત્ન કરી રહી છે. 

ટાઇગરને હાથ અને છાતી પર કારના કાચ અને ગનપાઉડરને કારણે ઈજા થઈ
હુમલા પછી રવિવારે મોડી રાત્રે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ટાઇગર શ્રોફને મળવા ગયા એ વખતે તેમની મુલાકાતની તસવીર સામે આવી હતી. હુમલા પછીની ટાઇગર શ્રોફની આ પહેલી જ તસવીર હતી. એમાં ટાઇગર શ્રોફના હાથના બાવડા સુધીના ભાગ પર પાટો લગાવવામાં આવેલો દેખાય છે, જ્યારે છાતીના ભાગમાં પણ ડ્રેસિંગ પછી સફેદ રંગનો ગૉઝ પીસ લગાવવામાં આવ્યો છે. 
ટાઇગરને ગોળીને કારણે તો કોઈ નુકસાન નથી પહોંચ્યું અને તે હેમખેમ બચી ગયો હતો. જોકે ગોળી ખૂબ જ નજીકથી ચલાવવામાં આવી હોવાથી ગાડીના તૂટેલા કાચના ટુકડાને કારણે તથા ગનપાઉડરને કારણે તેને જમણા હાથમાં તથા છાતીના ભાગમાં ઈજા પહોંચી હતી. એકનાથ શિંદે અને ટાઇગર શ્રોફની મુલાકાત થઈ ત્યારે ટાઇગરનાં મમ્મી આયેશા શ્રોફ પણ હાજર હતાં. 

થર્ડ-હૅન્ડ બાઇકને આધારે પોલીસને મહત્ત્વની કડીઓ મળી
ફાયરિંગ કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી બાઇક પર જુહુથી અંધેરી તરફ ફરાર થયા હતા અને ત્યાં બાઇક મૂકી દીધી હતી. તેમણે જે બાઇક ઉપયોગમાં લીધી એના આ પહેલાં ત્રણ માલિક રહી ચૂક્યા હતા. આ થર્ડ-હૅન્ડ બાઇક રવિવારે અંધેરી સ્ટેશનથી જપ્ત કરવામાં આવી હતી અને સોમવારે ડી.એન. નગર પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવી હતી. બાઇકના ઓનર્સની માહિતીના આધારે પોલીસને મહત્ત્વપૂર્ણ કડીઓ હાથ લાગી હતી. આ બાઇક જોગેશ્વરીના ઓનરની હતી, તેણે આ બાઇક કોઈને વેચી હતી. હુમલાના થોડા સમય પહેલાં જ આ બાઇક ત્રીજા ઓનરને વેચવામાં આવી હતી જે શૂટરે જ ખરીદી હોય અથવા શૂટિંગ માટે જ ખરીદાઈ હોવાની શક્યતા છે. 

મિશન પાર પાડવા ૫૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ મળ્યા
આરોપીઓ પાસેથી માત્ર ૫૫૦૦ રૂપિયાની રોકડ રકમ મળી છે અને તેમણે ખુલાસો કર્યો હતો કે તેમને આ મિશન પર પાડવા માટે ૫૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં મળ્યા હતા. તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નહોતું. આરોપી રેહાન અનિલ પંડિતના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી રેહાનના પિતાએ કહ્યું, મારા દીકરાને સજા મળવી જોઈએ 
ટાઇગર શ્રોફ પર હુમલાના આરોપી રેહાનના પિતા શુદીને તે પોતાના દીકરા સાથે લગભગ દાયકાથી સંપર્કમાં ન હોવાનું જણાવ્યું હતું. હરિયાણાના સોનિપતમાં રહેતા શુદીને જણાવ્યા અનુસાર છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષથી તે રેહાનને મળ્યા નથી કે તેને જોયો પણ નથી. આ પહેલાં પણ રેહાનની બંદૂક રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પછી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. શુદીને કાયદા પ્રમાણે તેના દીકરાને સજા આપવામાં આવવી જોઈએ, એમ કહ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK