આશુ પટેલ અને સુભાષ ઠાકર દ્વારા 10 પુસ્તકો ભવન્સ, અંધેરીમાં લોન્ચ કરવામાં આવ્યા. મફત મનોરંજન અને પ્રવેશ. બિદડા વેપાર ઉત્સવ, રક્તદાન કેમ્પ પણ યોજાયા.
આશુ પટેલ, સુભાષ ઠાકર
શનિવારે ભવન્સ, અંધેરીમાં આશુ પટેલ અને સુભાષ ઠાકરનાં કુલ ૧૦ પુસ્તકોનો લોકાર્પણ સમારંભ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના સહયોગથી નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ દ્વારા શનિવાર, ૨૧ સપ્ટેમ્બરે સાંજે અંધેરીમાં આશુ પટેલનાં સાત અને સુભાષ ઠાકરનાં ત્રણ એમ કુલ ૧૦ પુસ્તકોનો લોકાર્પણ સમારંભ ‘જિંદગીનો જલસો’નું આયોજન કરવામાં આવ્યું છે. સમારંભ દરમ્યાન હાસ્ય કલાકાર નવીન પ્રભાકર, મૅજિશ્યન ભૂપેશ દવે, લોકસાહિત્યકાર સુનીલ સોની, ગાયક રાજેન્દ્ર ગઢવી અને હાસ્ય કલાકાર સુભાષ ઠાકર વિવિધ મનોરંજન કાર્યક્રમ રજૂ કરશે.
આ સમારંભમાં વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળ : ભવન્સ કલ્ચરલ સેન્ટર, ભવન્સ કૅમ્પસ, અંધેરી (વેસ્ટ). સમય: સાંજે ૬ વાગ્યે.
ADVERTISEMENT
શનિવારે માટુંગામાં બિદડા વ્યાપાર ઉત્સવનું આયોજન
સમાજના નાના-મોટા વ્યાપાર-ધંધા, લઘુ ઉદ્યોગને પ્રગતિના શિખરે પહોંચાડવા અને આત્મનિર્ભર બનાવવા શ્રી બિદડા યુવા મંડળ અને બિદડા સોશ્યલ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા શનિવાર, ૨૧ સપ્ટેમ્બરે માટુંગામાં બિદડા વ્યાપાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપાર ઉત્સવમાં આવનાર સૌ મુલાકાતી માટે બ્લડ પ્રેશર ચેકિંગ, ECG ચેકઅપ તથા મહિલા માટે ફ્રીમાં મેંદી પણ રાખવામાં આવી છે. દર એક કલાકે મુલાકાતી માટે લકી ડ્રૉ પણ યોજાશે. વધુ માહિતી માટે દીપેશ છેડાનો ૯૮૩૩૧ ૬૮૫૨૦ નંબર પર સંપર્ક કરવો. સ્થળ ઃ શ્રી લખમશી નપુ હૉલ, માટુંગા સેન્ટ્રલ રેલવે. સમય : સવારે ૯.૩૦થી રાત્રે ૮.
ઘાટકોપરમાં રવિવારે મેગા બ્લડ ડોનેશન કૅમ્પ
શ્રી ઘાટકોપર વાગડ વીસા ઓસવાળ સમાજ અને તરુણ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રવિવારે મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૅમ્પ રવિવારે સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ઘાટકોપર-વેસ્ટની નવરોજી લેનમાં આવેલા પરમ કેશવબાગમાં યોજવામાં આવ્યો છે.
સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનની શનિવારે વાર્ષિક સાધારણ સભા
૬૭ વર્ષ જૂના તેમ જ પ્રતિષ્ઠિત અને સ્ટેનલેસ સ્ટીલ વાસણોના વિક્રેતા, નિર્માતા અને નિકાસકારોના અગ્રણી સંગઠન સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનની ૬૭મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન શનિવાર, ૨૧ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે સી. પી. ટૅન્ક પાસેના પાંજરાપોળ મેઇન રોડના શ્રી સૂર્યનારાયણ મંદિરમાં થયું છે. આ ઉપરાંત એ જ સ્થળે બપોરના બેથી ચાર વાગ્યા દરમ્યાન રક્તદાન અને રક્તપરીક્ષણની નિઃશુલ્ક શિબિર પણ યોજાશે.