ભાઈંદરના રહેવાસીઓએ હજી એક વર્ષ રાહ જોવી પડશે
પ્રતીકાત્મક તસવીર
દહિસરથી મીરા-ભાઈંદરની મેટ્રો લાઇન ૯નું કામ ૮૭ ટકા પૂરું થઈ ગયું છે એટલે ચાર મહિનામાં દહિસરથી મીરા રોડના કાશીગાવ સુધી મેટ્રો શરૂ થઈ જશે, જ્યારે બીજા તબક્કામાં કાશીગાવથી ભાઈંદર-વેસ્ટમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન સુધીની મેટ્રોલાઇન આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થવાની માહિતી ગઈ કાલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આપી હતી.
MMRDAના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ દહિસરથી મીરા-ભાઈંદર માટેની મેટ્રોલાઇન ૯નું કામ ૨૦૧૯માં જે. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૮૭ ટકા કામ પૂરું થઈ ગયું છે. અત્યારે મેટ્રો સ્ટેશનનું ઇન્ટરનલ અને ટ્રૅક બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં દહિસરથી કાશીગાવ સુધીની મેટ્રોલાઇન શરૂ થઈ ગયા બાદ મેટ્રો લાઇન ૭ સાથે કનેક્ટ થઈ જશે. આથી અંધેરી-ઈસ્ટ અને વેસ્ટથી મીરા રોડ સુધી જઈ શકાશે. આથી કેટલાક અંશે મીરા રોડમાં હાઇવે પાસે રહેતા લોકોને મેટ્રો લાઇનનો લાભ મળશે.