વીક-એન્ડ માટે હવામાન વિભાગ દ્વારા યલો અલર્ટ જાહેર, પારો ૩૬ ડિગ્રીને પાર જવાની શક્યતા
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓને ગરમીથી મળેલી થોડા દિવસોની રાહત બાદ હવે ફરી એક વાર અકળાવનારી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈ સહિત પાડોશી જિલ્લાઓ થાણે, રાયગડ અને પાલઘર માટે આજે અને આવતી કાલે ‘યલો અલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી વીક-એન્ડ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસને વટાવી જવાની આગાહી કરવામાં આવી છે.
ગુરુવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ અને પવન ફૂંકાવાને લીધે ગરમીનો પારો સામાન્યથી નીચે રહ્યો હતો. આ બદલાયેલા હવામાનને પગલે મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં અનેક સ્થળે વરસાદ અને કરા પણ પડ્યા હતા. જોકે, હવે સ્થિતિ બદલાતાં આગામી ૪૮ કલાકમાં આકાશ સ્વચ્છ રહેશે અને ખાસ કરીને પરાં વિસ્તારોમાં અકળાવનારો બફારો અનુભવાશે.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે. માર્ચ મહિનામાં જ મુંબઈએ ચાર વખત હીટવેવનો સામનો કર્યો છે જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. એપ્રિલ અને આગામી મે મહિનામાં પણ રાજ્યમાં વધુ હીટવેવ આવવાની ચેતવણી આપવામાં આવી છે.
