અમારા જેવા દિવ્યાંગોને ખાનગી ક્ષેત્રમાં તેમ જ જાહેર ક્ષેત્રમાં નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે
મારા વોટના બદલામાં મને શું જોઈએ છે?
હર્ષિત ઠક્કર
થાણે-વેસ્ટમાં રહેતા ૨૪ વર્ષના હર્ષિત ઠક્કરને જન્મથી જ સેરિબ્રલ પૉલ્ઝી છે. અમારા જેવા દિવ્યાંગોને ખાનગી ક્ષેત્રમાં તેમ જ જાહેર ક્ષેત્રમાં નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે એટલે અમારા જેવા લોકો માટે સરકાર કોઈ યોજના શરૂ કરે એવું ઇચ્છું છું એમ જણાવીને હર્ષિત ‘મિડ-ડે’ને કહે છે, ‘આવી યોજનાથી અમને ખાનગી અને જાહેર ક્ષેત્રમાં જૉબ મળી રહેશે. સરકારે અમારા લાભો ટ્રૅક કરવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ યોજના શરૂ કરી છે, પરંતુ એ સહેજ પણ ફાયદાકારક નથી. સરકાર પાસે અમારો ડેટા હોવા છતાં એ ડેટા પરથી અમારા માટે જૉબની તકના દરવાજા સરકાર ખોલતી જ નથી. સરકાર એ ડેટા એના રેકૉર્ડ પર રાખે એનાથી અમને શું ફાયદો? અમારા માટે પણ દરેક ક્ષેત્રમાં રિઝર્વ્ડ સીટો હોવી જોઈએ. સરકારી કર્મચારીઓ અને રાજનેતાઓ કે પ્રધાનોની જેમ અમારા માટે પણ રેલવેમાં કન્સેશન અને સીટનો ક્વોટા હોવો જોઈએ. દરેક કોચમાં દિવ્યાંગો માટે અમુક સીટ રિઝર્વ્ડ હોવી જોઈએ.’
- રોહિત પરીખ