હીરા જાહેરમાં દેખાડવાનું ઑપેરા હાઉસમાં ઓકે બીકેસીમાં નૉટ ઓકે
હીરા- ફાઈલ તસવીર
મુંબઈના હીરાબજારમાં માંડ-માંડ કોરોનાને લગતાં નિયંત્રણો હટાવવામાં આવ્યાં હતાં ત્યાં દલાલો અને ટ્રેડરોને લઈને બીકેસીમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સે (બીડીબી) જાહેર કરેલી ગાઇડલાઇન ચર્ચાનો વિષય બની છે. આમ તો બીડીબીએ એવો દાવો કર્યો છે કે આ ગાઇડલાઇન જૂની છે, પણ નવાઈની વાત એ છે કે મોટા ભાગના લોકો એનાથી અજાણ હતા.
બન્યું એવું કે ૧૨ માર્ચે બીડીબીએ એક દલાલને કૉમન એરિયામાં હીરા જોવા બદલ વૉર્નિંગ લેટર મોકલ્યો હતો. આ લેટર મુજબ સલામતીનાં કારણોસર દલાલો અને ટ્રેડરોને બીડીબીના ગ્રાઉન્ડ ફ્લોર, ડ્રાઇવ-વે, બેઝમેન્ટ, કૉમન લૉબી પૅસેજ, દાદરા અને બીજી કોઈ પણ ઓપન જગ્યાએ હીરા બતાવવા પર કે રોકડનો વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે અને જો કોઈ આવું કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ વૉર્નિંગ લેટર અત્યારે હીરાબજારમાં જોરદાર વાઇરલ થયો છે અને દલાલો અને ટ્રેડરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બીડીબીના એક કમિટી મેમ્બરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં આ નિયમ લાંબા સમયથી છે, પણ નોટિસ વૉટ્સઍપ ગ્રુપ પર ફરતી થઈ એટલે લોકો સફાળા જાગ્યા. બીડીબી ઇન્ટરનૅશનલ કક્ષાની માર્કેટ-પ્લેસ છે. વિશ્વમાં ક્યાંય પણ રસ્તા પર કે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં ઊભા રહીને હીરાની લેતી-દેતી થતી નથી. માન્યું કે આપણે ત્યાં વર્ષોથી આ રીતે દલાલો અને નાના વેપારીઓ ધંધો કરતા હતા; પણ બીડીબીમાં આપણે એમના માટે ખાસ હૉલ બનાવ્યા છે જ્યાં લાઇટ છે, બેસવાની સગવડ છે, એસી છે. ત્યાં શાંતિથી તેઓ પાર્ટીને હીરા બતાવીને ધંધો કરી શકે છે. કમ્પાઉન્ડમાં ઊભા-ઊભા હીરા બતાવતી વખતે જો કોઈનો ધક્કો લાગ્યો અને એ હીરા પડી ગયા તો એ મળવાની શક્યતા બહુ ઓછી હોય છે. નુકસાન તો એ દલાલ ભાઈઓ કે નાના વેપારીનું જ જવાનું છે. કમ્પાઉન્ડમાં ગટર પણ છે એટલે ખુલ્લામાં ઊભા રહીને હીરાનું પડીકું બતાવવું જોખમી છે.’
અન્ય એક ભૂતપૂર્વ કમિટી મેમ્બરે કહ્યું હતું કે ‘બજારમાં થૂંકવા પર અને સ્મોકિંગ પર પહેલેથી જ બંધી છે. એ જ રીતે ખુલ્લામાં હીરાના ટ્રેડિંગ પર પણ બંધી છે, પણ આ વખતે લોકોને આની જાણ થઈ. કમ્પાઉન્ડમાં ખુલ્લામાં હીરાનું વેચાણ થતું હોય એવા ફોટો જો વિદેશમાં ફરતા થાય તો તેઓ એમ માની લે કે આમની પાસે તો બેસીને ધંધો કરવાની જગ્યા પણ નથી. આમ માર્કેટની ઇમેજ ખરડાય છે. આપણે નાના વેપારીઓ અને દલાલ ભાઈઓ માટે ડાયમન્ડ હૉલ રાખ્યા જ છે. ત્યાં તેઓ ધંધો કરે એ બધા માટે સુવિધાજનક છે.’
જોકે દલાલો બીડીબીના કમિટી મેમ્બરની વાત સાથે સહમત નથી. એક દલાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ લોકો ઑફિસ, એમડીએમએ (મુંબઈ ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશન) હૉલ અને ટ્રેડિંગ હૉલમાં જ કામકાજ કરવા કહે છે, પણ મારે તેમને એ પૂછવું છે કે ૧૩,૦૦૦ મેમ્બરો માત્ર ૬૦૦ જણની બેઠક ધરાવતા આ હૉલમાં કઈ રીતે પોતાનો ધંધો કરી શકે? બહાર ખુલ્લામાં ધંધો કરવાનો અમને પણ શોખ નથી. રહી વાત ઇમેજની તો ઑપેરા હાઉસમાં રસ્તા પર ધંધો કરતા હતા ત્યારે પણ વિદેશથી લોકો ધંધો કરવા આવતા જ હતા. મારું માનવું છે કે આપણે ઓળખ ન ગુમાવવી જોઈએ.’
બીડીબીની ગાઇડલાઇન્સ શું કહે છે?
પહેલી વખત બીડીબીની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારને વૉર્નિંગ લેટર આપવામાં આવશે.
બીજી વખત બીડીબીની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારને વૉર્નિંગ લેટર આપવાની સાથે તેનું આઇ-કાર્ડ સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
ત્રીજી વખત બીડીબીની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનારનું આઇ-કાર્ડ સસ્પેન્ડ કરવામાં આવશે તેમ જ તેણે કમિટીને અરજી કરવાની રહેશે.

