આર્થર રોડ જેલમાં તેને આર્યન સાથે રાખવામાં આવ્યો હતો એવો બહાર આવ્યા પછી આપેલો ટીવી-ઇન્ટરવ્યુ પોલીસે જોયો અને ઘરફોડીના એક કેસમાં ફરી તેની ધરપકડ કરી
આર્યન ખાન સાથે રહેલો આરોપી જેલમાંથી નીકળીને ફરીથી જેલમાં
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે આર્થર રોડ જેલમાં રહેલા આરોપીને ટીવી-ઇન્ટરવ્યુ આપવો ભારે પડ્યો છે. મુંબઈનાં જુદાં-જુદાં રેલવે સ્ટેશનોમાં ૧૩ જેટલા ગુનાઓ માટે જેલ કાપતો ૪૪ વર્ષનો શ્રવણ નાડર તાજેતરમાં જ જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. જોકે તેને જેલની વિદાય ફળી નહોતી. આર્યન ખાનને જામીન મળવાના સમાચારને લીધે આર્થર રોડ જેલ પાસે પત્રકારોનો જમાવડો જોઈને શ્રવણને લહાવો લૂંટવાનું મન થઈ ગયું. જેલની બહાર પહોંચીને તેણે ટીવીચૅનલના પત્રકારોને કહ્યું હતું કે તેને આર્થર રોડ જેલમાં બૅરૅક-નંબર-૧માં આર્યન ખાન સાથે રાખવામાં આવ્યો હતો. ત્યાં આર્યન ખાને તેના દ્વારા મન્નત બંગલે જઈને શાહરુખ સુધી પૈસા મોકલવાનો સંદેશ પાઠવ્યો હતો. તે મન્નત બંગલે ગયો, પણ સુરક્ષા કર્મચારીઓએ તેને અંદર જવા ન દીધો.
અલબત્ત, શ્રવણના વાંકા નસીબે તેનો આ ટીવી-ઇન્ટરવ્યુ જુહુ પોલીસે જોયો. જુહુ પોલીસ ફેબ્રુઆરી ૨૦૨૧ના ઘરફોડીના એક કેસમાં આઠ લાખ રૂપિયાની ચોરી માટે તેની શોધ કરી રહી હતી. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ને માહિતી પહોંચી અને ગણતરીની મિનિટોમાં શ્રવણ નાડરની ફરી ધરપકડ થઈ ગઈ.
એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એ વાત સાચી છે કે શ્રવણ નાડર આર્થર રોડ જેલમાં બૅરૅક-૧માં હતો, પણ આર્યનના મેસેજની વાતની પુષ્ટિ નથી થઈ. શક્ય છે કે તે મન્નત બંગલે જઈને આર્યનના નામે પૈસા ખંખેરવા માગતો હોય.’
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શશિકાંત માને કહે છે, ‘શ્રવણ નાડર સામે કુલ ૧૩ ફરિયાદ દાખલ થઈ છે. એમાંથી ચાર જુહુ પોલીસ મથકમાં છે. અમે ફેબ્રુઆરી ૨૦૨૧ના ઘરફોડીના એક કેસમાં તેની શોધ કરી રહ્યા હતા. તેની ધરપકડ કરીને અમે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેની ૧ નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.’

