ફ્રેન્ડ્સને દારૂ પીવડાવવા ટીનેજરે કરી અડધો કિલો સોના-ચાંદીની ચોરી
પ્રતીકાત્મક તસવીર
જુહુ પોલીસે સગીર વયના એક એવા આરોપીની ધરપકડ કરી છે જેણે પોતાના ફ્રેન્ડ્સ સાથે દારૂની પાર્ટી કરવા તેમ જ નવી બાઇક લેવા માટે એક બંધ ઘરમાં ચોરી કરી હતી. જુહુના નેહરુનગરમાં રહેતા આ ટીનેજરને ખબર પડી કે તેની ચાલીની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતો પરિવાર ફરવા માટે મહાબળેશ્વર ગયો છે. એટલે તેણે છઠ્ઠી ફેબ્રુઆરીએ બારીની ગ્રિલ તોડી ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી જે વજન કરાવતાં અડધો કિલો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર જુહુના નેહરુનગર વિસ્તારમાં રહેતો પૂજા દેવીન્દ્ર પરિવાર પાંચમી ફેબ્રુઆરીએ મહાબળેશ્વર ફરવા ગયો હતો. એ દરમ્યાન બાજુની બેઠી ચાલમાં રહેતા ૧૭ વર્ષના છોકરાને તેના ફ્રેન્ડની મદદથી જાણવા મળ્યું કે તેઓ ફરવા ગયા છે. પાંચમી ફેબ્રુઆરીની રાતે તે વિન્ડોની ગ્રિલ તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોના અને ચાંદીના દાગીના તફડાવીને નાસી ગયો હતો. પરિવારને બાજુમાં રહેતા લોકો પાસેથી ચોરીની માહિતી મળતાં તેમણે ૬ ફેબ્રુઆરીએ પાછા આવીને જુહુ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
જુહુ પોલીસ-સ્ટેશનના ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી હરિ બિરાદરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને અમારા નેટવર્ક મારફત ખબર પડી કે નેહરુનગર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા ટીનેજરો રોજ ત્રણથી ચાર ક્રેટ બિયર લઈ જાય છે. ત્યાર બાદ અમે તેમના પર વૉચ રાખી હતી. રોજ આ ચાલતું હોવાથી એક દિવસ અમે ૧૭ વર્ષના ટીનેજરની પૂછપરછ કરી તો તેણે કબૂલ કર્યું કે ફ્રેન્ડ્સ સાથે દારૂ પીવા તેમ જ નવી બાઇક લેવા માટે તેણે ચોરી કરી હતી. આરોપી સ્કૂલ ડ્રૉપઆઉટ છે.’

