મહાયુતિને સમર્થન આપ્યા બાદ પહેલી સભામાં
રાજ ઠાકરે
લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિના ઉમેદવારોને સમર્થન કર્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની ગઈ કાલે રત્નાગિરિ-સિંધુદુર્ગ જિલ્લાના કણકવલીમાં પહેલી જાહેરસભા થઈ હતી. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નારાયણ રાણેના પ્રચાર માટેની આ સભામાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘રાજ્યમાં તેઓ પહેલાં ભારતીય જનતા પાર્ટીની યુતિમાં પાંચ વર્ષ અને બાદમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં મુખ્ય પ્રધાન તરીકે અઢી વર્ષ સત્તામાં હતા. એ સમયે તમે નાણાર અને જૈતાપુર પ્રોજેક્ટનો વિરોધ નહોતો કર્યો. એ સમયે તમે મહારાષ્ટ્રના ઉદ્યોગ-ધંધા ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોમાં કેમ જવા દીધા? નાણાર પ્રોજેક્ટ જ્યાં થવાનો હતો ત્યાંની જમીન તેમના દલાલોએ પાણીના ભાવે ખરીદી હતી. આ દલાલોએ લોકો પાસેથી ૧૦ રૂપિયામાં અહીંની જમીન ખરીદીને સરકારને ૨૦૦ રૂપિયામાં વેચી. ખોટો વિરોધ કરીને લોકોને ભડકાવવાથી કોંકણનો વિકાસ અટક્યો છે. નારાયણ રાણેને મારા પ્રચારની જરૂર નથી. તેઓ ચૂંટાઈ જ ગયા છે. જેટલો આ પ્રદેશ સુંદર છે એટલા જ સમજદાર અહીંના લોકો છે. કોણ ભલું કરી શકે છે એ કોંકણના રહેવાસીઓ સારી રીતે જાણે છે. અહીં સારા પ્રોજેક્ટ આવે એવી બધાની ઇચ્છા છે. ગોવામાં આખી દુનિયા જાય છે, પણ કોંકણના કિનારા પર ગોવાના બીચ જેવાં દૃશ્યો દેખાય તો આપણી સંસ્કૃતિ બગડી જશે એમ કહેનારાને મારે જણાવવું છે કે બે ટંકનું ભોજન ન આપી શકતી હોય એવી સંસ્કૃતિ શું કામની? વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીની સરકાર જ કોંકણનો યોગ્ય વિકાસ કરી શકશે.’.