રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ ૧૪ લાખ ઑટોરિક્ષા પરમિટ આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે ગિરદી અને પ્રદૂષણને રોકવા માટે નવી ઑટોરિક્ષા પરમિટ આપવાનું હાલ પૂરતું સ્થગિત કર્યું છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે નવી ઑટોરિક્ષા પરમિટ આપવાના માપદંડ પર કૅબિનેટ નિર્ણય ન લે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે એવી જાહેરાત કરી છે.
મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે (MoRTH)એ મહારાષ્ટ્ર સરકારને પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સ્થાનિક પરિસ્થિતિના આધારે ઑટોરિક્ષાની પરમિટ બાબતે નિર્ણય લેવાની સલાહ આપી છે. ૨૦૧૭ના જૂન મહિનામાં રાજ્ય સરકારે નવી ઑટોરિક્ષા પરમિટ આપવા પર ૧૯૯૭થી મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
ADVERTISEMENT
પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘એક જ ઘરના સભ્યોને એકથી વધુ વાર ઑટોરિક્ષા પરમિટ આપવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. કેટલીક પરમિટ બંગલાદેશી નાગરિકોએ ગેરકાયદે રીતે મેળવી છે એથી સોમવારથી પરમિટ આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ ૧૪ લાખ ઑટોરિક્ષા પરમિટ આપવામાં આવી છે. ૨૦૨૫-’૨૬ માટેના આર્થિક સર્વેક્ષણ મુજબ આ વર્ષે ૧ જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ઑટોરિક્ષાની સંખ્યા ૧૨.૯૬ લાખ જેટલી છે.
