સરકાર આૅલ ઇઝ ઓકે કહે છે, પણ ગૅસના પુરવઠા પર યુદ્ધની અસર વર્તાવા માંડી : મુંબઈમાં ૨૦ ટકા હોટેલો બંધ થઈ ગઈ, આગામી બે દિવસમાં ૫૦ ટકા રેસ્ટોરાં બંધ કરવાનો વારો આવશે એવું કહેવું છે અસોસિએશનનું
ગઈ કાલે મુંબઈમાં LPG સિલિન્ડરોનું વિતરણ કરવા નીકળેલી એક ટ્રક.
ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના પ્રેસિડન્ટ વિજય શેટ્ટીએ આક્ષેપ કર્યો કે બેફામ બ્લૅક-માર્કેટિંગ ચાલે છે
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વર્તાવા માંડી છે ત્યારે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ દ્વારા નૅચરલ ગૅસનું વિતરણ પ્રાયોરિટીવાળા સેક્ટર્સને કરવા સમગ્ર દેશમાં કૉમોડિટીઝ (EC) ઍક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પગલું લીધા પછી પણ સરકારે ગઈ કાલે ધરપત આપતાં જાહેર કર્યું હતું કે દેશભરમાં રાંધણગૅસનો પુરવઠો નિયંત્રણમાં છે. જોકે એમ છતાં મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં નાની અને મધ્યમ કદની હોટેલો, રેસ્ટોરાં અને ફૂડ-સ્ટોલ પર ગૅસની અછત વર્તાઈ રહી છે.
મુંબઈમાં અત્યારે ૨૦ ટકા રેસ્ટોરાં બંધ થઈ ગઈ છે અને આગામી બે દિવસમાં પરિસ્થિતિ વણસે એવા અંદાજને લીધે મોટા ભાગની રેસ્ટોરાં અને હોટેલો બંધ કરવાનો વારો આવશે. ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)એ મુંબઈના હૉસ્પિટૅલિટી ક્ષેત્રને જોખમમાં મૂકી રહેલા ગૅસ-સંકટ અંગે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરી છે. પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મિનિસ્ટ્રીને લખેલા પત્રમાં AHARના પ્રમુખ વિજય શેટ્ટીએ પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)નો પુરવઠો પચીસ ટકા ઘટાડવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો આ ટકાવારી વધશે અથવા ગૅસ-પુરવઠો ઠપ થશે તો હોટેલ-ઇન્ડસ્ટ્રી અને એના પર નિર્ભર લાખો કામદારો બન્નેને અસર થશે એવું પણ જણાવાયું છે. ૪૮ કલાકમાં મુંબઈની પચાસ ટકા હોટેલો બંધ થશે એવી ચિંતા વિજય શેટ્ટીએ વ્યક્ત કરી હતી. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડરોની વધેલી ડિમાન્ડને પગલે બજારમાં એક સિલિન્ડર જેની કિંમત ૧૬૦૦ રૂપિયા હતી એના હવે ૩૦૦૦ રૂપિયા બોલાય છે એવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
સરકાર અને ગૅસ-એજન્સીઓ દાવો કરે છે કે દેશમાં ગૅસની અછત નહીં થાય, પણ હોટેલ બિઝનેસમાં સાથે સંકળાયેલા લોકોના જણાવવા મુજબ વાસ્તવિકતા જુદી જ છે.
હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન-વેસ્ટર્ન ઇન્ડિયા (HRAWI)ના વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ મિનિસ્ટ્રીએ પાંચમી માર્ચે નોટિફિકેશન જાહેર કર્યા પછી અનેક સપ્લાયર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સે હોટેલ, રેસ્ટોરાંમાં કમર્શિયલ LPG સિલિન્ડર સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આની સૌથી મોટી અસર એકલા રહેતા અને રેસ્ટોરાં કે ક્લાઉડ કિચનમાંથી જ નિયમિત ભોજન લેતા વિદ્યાર્થીઓ અને ટૂરિસ્ટ્સને થશે.’
નાશિકમાં ૨૫૦ ઉદ્યોગો આજકાલમાં ઠપ થવાની તૈયારીમાં
નાશિકના અંબાડ અને સાતપુર ઔદ્યોગિક વિસ્તારોની કંપનીઓ પાસે હાલમાં ફક્ત એક દિવસ માટે પૂરતો ગૅસનો સ્ટૉક છે. ઘણા ઉદ્યોગોને પ્રોડક્શન માટે LPG અને PNG ગૅસની મદદથી પ્રોડક્શન કરવામાં આવે છે. અત્યંત મર્યાદિત પુરવઠાને કારણે પ્રોડક્શનને અસર થઈ રહી છે. જો ગૅસની અછત ચાલુ રહે તો નાશિકના સાતપુર અને અંબાડ ઔદ્યોગિક વસાહતોમાં લગભગ ૨૫૦ જેટલી નાની-મોટી કંપનીઓ પર એની ગંભીર અસર પડી શકે છે. છેલ્લા બે દિવસમાં LPGના ભાવમાં પ્રતિ કિલો ૩૬ રૂપિયા જેટલો વધારો થયો છે જેને કારણે ઉદ્યોગોનો ઉત્પાદનખર્ચ પણ વધ્યો છે.
સોલાપુરમાં ફ્લાઇંગ સ્ક્વૉડ બનાવવામાં આવી
સોલાપુર જિલ્લામાં જિલ્લાસ્તરે મોબાઇલ ટીમની રચના કરીને ગૅસ-ડિસ્ટ્રિબ્યુટર્સ પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. આ મોબાઇલ ટીમ ડોમેસ્ટિક ગૅસના ગેરકાયદે ઉપયોગ પર પણ નજર રાખશે. સોલાપુરમાં મોટા ભાગની હોટેલો બંધ કરવામાં આવી છે. એને કારણે કાળાબજારને રોકવા માટે પ્રશાસને આ નિર્ણય લીધો છે.
પુણે, નાગપુર અને કોસ્ટલ મહારાષ્ટ્રની હોટેલોને ફટકો
ગૅસની કટોકટીને કારણે નાગપુરમાં ૯૦ ટકા હોટેલો બંધ કરવી પડશે તો પુણેમાં પણ હોટલ-વ્યવસાયને ભારે ફટકો પડ્યો છે. પુણેમાં ભણતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો કે નાના ફૂડ-સ્ટૉલ્સ બંધ થયા બાદ સરકારની તેમને ઓછા ભાવમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી છે. કોસ્ટલ મહારાષ્ટ્રની હોટેલો અને ફૂડ-સ્ટૉલમાં ગૅસ-સિલિન્ડર પહોંચી ન શકતાં ૨૦ ટકા હોટેલો બંધ થઈ ગઈ છે જેને લીધે ટ્રાવેલ બિઝનેસને પણ અસર થશે. નાશિકમાં ૨૪ કલાક જેટલો જ ગૅસ હોટેલો પાસે હોવાથી ૯૦ ટકા હોટેલો આજકાલમાં બંધ થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રની ૨૫૦૦થી વધુ ફૅક્ટરીઓમાં બેથી ચાર દિવસ ચાલે એટલો ગૅસ
મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારોમાં ગૅસની ભારે અછત છે. સ્ટીલ, એન્જિનિયરિંગ, ઑટો કમ્પોનન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ-પ્રોસેસિંગ અને અન્ય ઉદ્યોગોને બૉઇલર અને થર્મલ હીટર માટે ગૅસની જરૂર પડે છે એવા ૨૫૦૦ જેટલાં યુનિટ્સમાં પ્રોડક્શન અટવાયું છે. ઘણાં સ્થળોએ ઉત્પાદન પર કાપ શરૂ થઈ ગયો છે.
ચાકણ, પિંપરી-ચિંચવડ અને છત્રપતિ સંભાજીનગર જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ઑટો કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરિંગ ફૅક્ટરીઓ ગૅસની અછતને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ટાયર-2 અને ટાયર-3 સપ્લાયર્સ છે, જેઓ ટૂ-વ્હીલર, કાર અને ટ્રક કંપનીઓ માટે આવશ્યક ભાગોનું ઉત્પાદન કરે છે. ઉદ્યોગ-સંગઠનોએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને શક્ય એટલી વહેલી તકે ગૅસનો પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની અપીલ કરી છે.
ઉદ્યોગ-સંગઠનોના મતે ઘણી ફૅક્ટરીઓમાં માત્ર બેથી ચાર દિવસનો ગૅસ બાકી છે. જો ગૅસનો પુરવઠો અચાનક બંધ થઈ જાય તો મશીનો કામ કરવાનું બંધ કરી દેશે. આ વિસ્તારો ઑટોમોબાઇલ માટે ગિયર્સ, શાફ્ટ, ફાસનર્સ, ફૉર્જિંગ ભાગો અને અન્ય મશીનિંગ ઘટકોનું ઉત્પાદન કરે છે જે ઑટો-ઉદ્યોગની સપ્લાય ચેઇનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ૦૦૦૦૦
