એને લાગે છે કે આ મામલામાં એકથી વધુ આરોપી હોઈ શકે : સૈફનાં કપડાં અને બ્લડ-સૅમ્પલ કલેક્ટ કરીને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં
સૈફ અલી ખાન
સૈફ અલી ખાનના ઘરમાં ૧૬ જાન્યુઆરીની રાતે હુમલો કરવાના આરોપસર બંગલાદેશના શરીફુલ ફકીરની ધરપકડ કરવામાં આવ્યા બાદ આરોપી તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. તેણે ચાકુ ક્યાંથી કરીદ્યું હતું તેમ જ પૅન અને આધાર કાર્ડ કોની પાસેથી બનાવ્યાં હતાં એ વિશે કંઈ બોલતો નથી. તેમ જ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળેલો યુવક બીજો હોવાની શક્યતા જોતાં હવે પોલીસને લાગે છે કે સૈફ પર હુમલો કરવાના આ મામલામાં શરીફુલ ફકીર ઉપરાંત બીજી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે.
સૈફ પર હુમલો કરવાના મામલાની તપાસ કરી રહેલી બાંદરા પોલીસની ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન અને તેના ઘરના સ્ટાફનાં બ્લડ-સૅમ્પલ અને કપડાં મેળવીને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. લૅબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આ મામલમાં શરીફુલ ફકીર જ સામેલ છે કે તેની સાથે બીજી કોઈ વ્યક્તિ પણ હતી. સૈફના ઘર અને સોસાયટીમાંથી મેળવવામાં આવેલી ફિંગરપ્રિન્ટ આરોપી શરીફુલ ફકીરની આંગળીઓ સાથે મૅચ થઈ ગઈ છે. જોકે CCTVનાં ફુટેજમાં જોવા મળતો યુવક અને શરીફુલ ફકીરના ચહેરામાં થોડો ફરક લાગી રહ્યો છે એટલે શંકા ઊપજે છે કે આ મામલામાં વધુ એક આરોપી હોઈ શકે છે.