આ ઘટના પુણેના વિમાનનગર વિસ્તારના શુભા અપાર્ટમેન્ટની હોવાનું જણાઈ આવ્યું હતું
અચાનક રિવર્સમાં દોડેલી કારે પહેલાં પાર્કિંગની દીવાલ તોડી અને બાદમાં એ નીચે પટકાઈ હતી.
સોશ્યલ મીડિયામાં ગઈ કાલે એક અપાર્ટમેન્ટના પહેલા માળના પાર્કિંગમાંથી અચાનક રિવર્સમાં આવેલી કાર દીવાલ તોડીને નીચે પડતી હોવાનો ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો હતો. આ ઘટના પુણેના વિમાનનગર વિસ્તારના શુભા અપાર્ટમેન્ટની હોવાનું જણાઈ આવ્યું હતું. બ્લૅક કલરની હોન્ડા સિટી કારના ડ્રાઇવરે પાર્કિંગમાં કાર ચાલુ કર્યા બાદ આગળ જવાને બદલે રિવર્સ ગિયરનો ઉપયોગ કરવાથી કાર અચાનક રિવર્સમાં દોડી હતી જે દીવાલ તોડીને નીચે પટકાઈ હતી. આ ઘટના સમયે કાર-ડ્રાઇવર ઉપરાંત પાછળની સીટમાં બે લોકો બેસેલા હતા. જોકે કાર નીચે પડ્યા બાદ પણ કોઈને ઈજા નહોતી થઈ. કાર પડવાનો અવાજ સાંભળીને અપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા જેમણે બધાને કારમાંથી બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું.