રેલવેમાં ૪૦૯૮ ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી :૧૭.૩૫ લાખનો દંડ વસૂલાયો
રેલવેમાં ૪૦૯૮ ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી :૧૭.૩૫ લાખનો દંડ વસૂલાયો
કોરોના મહામારીને કારણે સામાન્ય જનતા માટે હજી સુધી લોકલ ટ્રેનના દરવાજા ખૂલ્યા નથી ત્યારે હાલમાં બીએમસીનો સ્ટાફ, બૅન્કના કર્મચારીઓ તેમ જ અતિઆવશ્યક કર્મચારીઓ જ ટ્રેનમાં ટ્રાવેલ કરી શકે છે, છતાં પોતાનું પેટ રળવા ટ્રેનની અંદર ઇઅર ફોન વેચનારા કે અન્ય વસ્તુઓ વેચતા ફેરિયાઓ બિન્દાસ ચડી જતા હોય છે અને એક સ્ટેશનથી બીજા સ્ટેશને ફરતા હોય છે ત્યારે અન્ય પબ્લિક પૂછી રહી છે કે ટ્રેનની અંદર સામાન વેંચતા ફેરિયાઓ પર પ્રશાસન ક્યારે લેશે ઍક્શન?
આ બાબતે ફરિયાદ કરનારા પ્રવાસી વીરેન પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનમાં પ્રવાસ કરવા માટે હજી સુધી બધાને પરમિશન નથી, પરંતુ ટ્રેનમાં સામાન વેચતા વેન્ડરો દેખાય આવે છે. શું વેન્ડરોને પરમિશન મળી ગઈ છે? ટ્રેનમાં ટ્રાવેલ કરતા એક ઇઅર ફોન વેચનારો ફેરિયો બાંદરાથી વિરારની ફાસ્ટ ટ્રેનમાં ચડ્યો હતો અને ઇઅર ફોન વેચતો હતો. સામાન્ય રીતે કોઈ અન્ય પ્રવાસી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાય તો તેમના પર દંડાત્મક કાર્યવાહી કરાય છે, જ્યારે ફેરિયાઓને તો કોઈનો ડર જ ન હોય એ રીતે બિન્દાસ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે.’
આ બાબતે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે દ્વારા નિયમિત ધોરણે ડ્રાઇવ ટ્રેન કે રેલવે પરિસરમાં ગેરકાયદે બેસતા ફેરિયાઓની સામે ઍક્શન લેવાય છે. ૨૦૨૦માં અત્યાર સુધી ૪૦૯૮ ફેરિયાઓ-વિક્રેતાઓની સામે ઍક્શન લઈને ૧૭,૩૫,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ટ્રેનમાં કે સ્ટેશન પરિસરમાં કે ફુટઓવર બ્રિજ, સબવે વગેરેમાં બેસતા ફેરિયાઓ સામે સ્પેશ્યલ ડ્રાઇવ કે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવે છે. તાજેતરમાં બે ટ્રાન્સજેન્ડર કે જેઓ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા તેઓને પણ રેલવે દ્વારા પકડવામાં આવ્યા હતા.’

