થાણેના વાગળે એસ્ટેટ અને યેઉરમાં અવરજવર, રખડતા કૂતરા પર હુમલાના CCTV કૅમેરાનાં ફુટેજ વાઇરલ થયાં
યેઉર પ્રવેશદ્વાર પર દીપડો કૂતરાને ઝાડીમાં ખેંચી ગયો હતો.
થાણેના વાગળે એસ્ટેટના વારલી પાડા વિસ્તારમાં અને યેઉર પ્રવેશદ્વાર પર દીપડાની હાજરીને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગુરુવારે વારલી પાડામાં એક દીપડાએ રખડતા કૂતરા પર હુમલો કરીને એને ઝાડીમાં ખેંચી લઈ ગયાની ઘટના બની હતી. આ ઘટના હજી તાજી જ હતી ત્યાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના યેઉર પ્રવેશદ્વાર પાસે પણ આવી જ એક ઘટના બની છે જેમાં દીપડો રખડતા કૂતરા પર હુમલો કરીને એને ઝાડીમાં ખેંચી ગયો હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફૉરેસ્ટ વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું, પણ એ વિસ્તારમાં દીપડાની કોઈ હિલચાલ જોવા નહોતી મળી. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર મયૂર સુર્વસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે મોડી રાતે વારલી પાડા વિસ્તારમાં એક કૂતરા પર દીપડાએ કરેલા હુમલાનું CCTV કૅમેરા ફુટેજ સામે આવ્યું હતું. આ ઘટનાના થોડા કલાક બાદ એટલે કે શુક્રવારે વહેલી સવારે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના યેઉર પ્રવેશદ્વાર નજીક ઝાડીમાંથી અચાનક એક દીપડો બહાર આવીને પ્રવેશદ્વાર પાસે કૂતરા પર હુમલો કરીને એને ખેંચી ગયો હતો એ સમગ્ર ઘટના ફૉરેસ્ટ વિભાગની ઑફિસની બહાર લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં કેદ થઈ હતી. યેઉર પ્રવેશદ્વાર સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશવા માટે મુખ્ય માર્ગ હોવાથી થાણે સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીંથી સવારની પ્રકૃતિ નિહાળવા માટે આવતા હોય છે. દીપડાની આ હિલચાલને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતા ફેલાયાં છે.’
નાગરિકોને અપીલ
મયૂર સુર્વસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને ઘટના જાણ્યા બાદ વારલી પાડા અને યેઉરની આસપાસની સોસાયટીમાં પૅટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. એ ઉપરાંત દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોને સાવચેતી રાખવાની તેમ જ એકલા અથવા સાંજ પછી આ વિસ્તારમાં અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે.’
ADVERTISEMENT
પ્રાણીઓ માટે પ્રદર્શન

સુપ્રીમ કોર્ટે શેરીઓમાં રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યા બાદ પ્રાણીપ્રેમીઓ કોર્ટના આ આદેશથી નારાજ છે. તેમનું કહેવું છે કે પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે. પ્રાણીપ્રેમીઓની સંસ્થા પ્યૉર ઍનિમલ લવર્સ દ્વારા ગઈ કાલે અંધેરી લોખંડવાલામાં આ બાબતે હાથમાં પ્લૅકાર્ડ્સ લઈને જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તસવીરઃ સતેજ શિંદે


