ઘરે આવતી વખતે રાત્રે આશરે ૧૦.૨૦ વાગ્યે પુણે લેન તરફ જતા માર્ગ પર આજીવલી બસ-સ્ટૉપ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ-પુણે ઓલ્ડ હાઇવે પર પનવેલ નજીક આજીવલી ગામના બસ-સ્ટૉપ પાસે ગુરુવારે રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ-અકસ્માતમાં દીકરાના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા ૫૯ વર્ષના દામોદર જોશીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ મામલે પનવેલ પોલીસે ઇન્ડિકેટર ચાલુ રાખ્યા વિના રસ્તા પર ટ્રેઇલર બેદરકારીપૂર્વક ઊભું રાખનાર ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખાલાપુરના મોહપાડા પાતાળગંગા ખાતે રહેતા અને સિપ્લા કંપનીમાં નોકરી કરતા દામોદર જોશી ગુરુવારે સાંજે પોતાની બાઇક લઈને મોટા દીકરા ભૂષણનાં લગ્નની પત્રિકા વહેંચવા માટે પનવેલ ગયા હતા. ત્યાંથી ઘરે આવતી વખતે રાત્રે આશરે ૧૦.૨૦ વાગ્યે પુણે લેન તરફ જતા માર્ગ પર આજીવલી બસ-સ્ટૉપ નજીક આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસે શું કહ્યું?
ADVERTISEMENT
પનવેલ શહેર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજીવલી બસ-સ્ટૉપ પાસે મુખ્ય માર્ગ પર કોઈ પાર્કિંગ વ્યવસ્થા કે બોર્ડ ન હોવા છતાં તેમ જ કોઈ પણ પ્રકારના ઇન્ડિકેટર ચાલુ રાખ્યા વિના એક ટ્રેઇલર ઊભું રાખવામાં આવ્યું હતું. ઘરે પરત ફરી રહેલા દામોદર જોશીની મોટરસાઇકલ આ ઊભેલા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે તેમને માથાના ભાગે તેમ જ ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોટા પ્રમાણમાં લોહી વહી ગયું હતું. ઘટનાસ્થળેથી તેમને ઍમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે એમજીએમ કામોઠે હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ વિશે મૃત્યુ પામેલી વ્યક્તિના પુત્ર ચેતન જોશીની ફરિયાદના આધારે ટ્રેઇલરના ડ્રાઇવર અજિત યાદવ સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.’
