બીજેપીના વિધાનસભ્ય સુધીર મુનગંટીવારે વિધાનસભામાં છત્રપતિનો ફોટો મૂકવાની માગણી કરતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભાના પ્રાંગણમાં શિવાજીના પૂતળા પાસે જવાનું કહ્યું
ગઈ કાલે શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોને રાજ ઠાકરેએ શિવજયંતીની શુભેચ્છા આપી હતી
છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે જન્મજયંતીની ગઈ કાલે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના મુંબઈમાં ચાલી રહેલા બજેટ સત્રમાં બીજેપીના વિધાનસભ્ય સુધીર મુનગંટીવારે હિન્દુ પંચાંગ મુજબ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ તિથિ મુજબ આજે હોવાથી વિધાનસભામાં તેમનો ફોટો મૂકવાની માગણી કરી હતી.
સુધીર મુનગંટીવારે માગણી કરતાં કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે તિથિ મુજબ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શિવાજી પાર્ક ગયા હતા અને અભિવાદન કર્યું હતું. સરકાર છત્રપતિનો જન્મ ૧૯ ફેબ્રુઆરીએ મનાવે છે અને મુખ્ય પ્રધાન તિથિ મુજબ ઉજવણી કરે છે. આથી વિધાનસભામાં છત્રપતિની યાદમાં મોટો ફોટો મૂકવામાં આવે.’
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ વિશે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર ઘણાં વર્ષોથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી ૧૯ ફેબ્રુઆરીએ જ ઊજવે છે. મુખ્ય પ્રધાન આ દિવસે છત્રપતિનું અભિવાદન કરે છે. જેમને અભિવાદન કરવું હોય તેઓ વિધાનસભા પરિસરમાં મૂકવામાં આવેલા છત્રપતિના પૂતળા પાસે જઈ શકે છે.’
ADVERTISEMENT
મનસેએ કાર્યકરોને શપથ લેવડાવ્યા
ગઈ કાલે શિવાજી પાર્કમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોને રાજ ઠાકરેએ શિવજયંતીની શુભેચ્છા આપી હતી અને આ નિમિત્તે મનસેના કાર્યકરોને શપથ લેવડાવ્યા હતા. લેખિત શપથમાં લખવામાં આવ્યું હતું કે ‘અમે આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શપથ લઈએ છીએ કે સ્વરાજ્યની સ્થાપના બાદ મહારાજે જે સુરાજ્ય ચલાવવાનો પ્રયાસ કર્યો હતો એ મુજબ મહારાષ્ટ્રમાં સુરાજ્ય ફરી સ્થાપિત થાય એ માટેના પ્રયાસ કરીશું. આ પ્રયાસથી જાત-પાતમાં વહેંચાયેલો સમાજ એક થશે. રાજ્યમાં મહિલાઓનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ સુરક્ષિત હોવાનું અનુભવશે. યુવકોના હાથમાં રોજગાર મળશે. દરેક બાળક સ્કૂલમાં જઈ શકશે. લોકોને પરવડે એવી આરોગ્ય વ્યવસ્થા મળશે. છત્રપતિ શિવાજી મહારાજે એક સ્વાભિમાની, સ્વાવલંબી સ્વરાજ્યનું સપનું આપણને આપ્યું છે. એને યાદ રાખીને તેમના સપનાને પૂરું કરવાનો અમારો પ્રયાસ રહેશે. અમે મહારાજના અનુયાયી અને સૈનિક છીએ, જે અમે ક્યારેય ભૂલીશું નહીં.’