સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ હાલમાં જ શરદ પવારને જઈને મળ્યા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરી હતી
સુનીલ તટકરેએ દિલ્હી ઑફિસમાં નો એન્ટ્રી બાબતે મીડિયા સમક્ષ કોઈ સ્પષ્ટતા નહોતી કરી.
અજિત પવારના નિધન બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં વડાં તરીકે સુનેત્રા પવારની વરણી કરવામાં આવી છે. જોકે પક્ષ દ્વારા ઇલેક્શન કમિટીને મોકલવામાં આવેલા પત્રમાં સિનિયર નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ પટેલના નામ સામે કોઈ પદનો ઉલ્લેખ ન હોવાનો મુદ્દો ચગ્યા બાદ હવે ગઈ કાલે NCPની દિલ્હી ઑફિસમાં સુનીલ તટકરે અને પ્રફુલ પટેલને દિલ્હીની ઑફિસમાં જવા પર બંધી મૂકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, એ ઑફિસમાં આવેલી તેમની કૅબિનોને પણ તાળાં લગાડી દેવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષના રાષ્ટ્રીય સચિવ અવિનાશ આદિકે આ સંદર્ભે શુક્રવારે પક્ષના કાર્યાલયમાં એક બેઠક લીધી હતી અને એ પછી કાર્યાલયના કર્મચારીઓને એ બદલ મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. હવે જે પક્ષની કમિટીમાં છે તેમને જ પ્રવેશ આપવામાં આવશે એમ તેમને જણાવવામાં આવ્યું છે. જો કોઈ આ આદેશનો ભંગ કરે છે તો તેની સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે એમ પણ કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સુનીલ તટકરેએ આ વિશે મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે અજિત પવાર સાહેબના નિધન બાદ પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલીક તકલીફો આવતી હોય છે. એ વખતે અમે બધા નેતાઓ સાથે બેસી, ચર્ચા કરીને એનો ઉકેલ લાવીએ છીએ.’
સુનીલ તટકરે અને પ્રફુલ પટેલ હાલમાં જ શરદ પવારને જઈને મળ્યા હતા અને તેમની સાથે પણ ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે તેમણે શરદ પવારને પાર્થ પવાર બદલ ફરિયાદ કરીને તેને સમજાવો એ રીતનું નિવેદન કર્યું હતું.
