BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ઝોન 4 ડૉક્ટર ભાગ્યશ્રી કાપસે અને અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લેની દોરવણી હેઠળ કરવામાં આવી હતી.
અતિક્રમણવિરોધી કાર્યવાહી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એના K-વેસ્ટ વૉર્ડ અંતર્ગત સાંતાક્રુઝ અને વિલે પાર્લે વચ્ચે આવેલા મિલન સબવેથી એસ. વી. રોડ પર ગેરકાયદે બેસેલા ફેરિયાઓ અને ત્યાં ગેરકાયદે ઊભા કરી દેવાયેલા સ્ટૉલ સામે અતિક્રમણવિરોધી કાર્યવાહી કરીને સ્ટૉલ તોડી પાડ્યા હતા. આ તોડકામ કાર્યવાહી BMCનાં અસિસ્ટન્ટ કમિશનર ઝોન 4 ડૉક્ટર ભાગ્યશ્રી કાપસે અને અસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી અલ્લેની દોરવણી હેઠળ કરવામાં આવી હતી.
હેગની કોર્ટનો આદેશ ફગાવ્યો ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત્
ADVERTISEMENT
ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના પોતાના નિર્ણયને રદ કરતા પર્મનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશન (PCA)ના આદેશને સોમવારે સખત શબ્દોમાં ફગાવી દીધો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં રતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (RHEP)ના નિર્માણ પર રોક લગાવતા વચગાળાના આદેશનો પણ ભારતે ઉગ્ર વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ધ હેગ ખાતે આવેલી આ કોર્ટ ગેરકાયદે છે અને ભારત સરકાર અેને કોઈ જ માન્યતા આપતી નથી. એપ્રિલ ૨૦૨૫માં લશ્કર-એ-તય્યબા (LeT)ના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પહલગામમાં કરેલા હુમલા બાદ ભારતે કડક કાર્યવાહીરૂપે આ સંધિ સ્થગિત કરી દીધી હતી. જોકે પાકિસ્તાને વર્લ્ડ બૅન્ક દ્વારા રચાયેલી આ કહેવાતી કોર્ટમાં ધા નાખી હતી. ભારતે આ કોર્ટની સુનાવણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને જણાવ્યું હતું કે અેને ભારત પર કોઈ જ અધિકારક્ષેત્ર નથી.
ગોંડલ સંપ્રદાયનાં મધુરવક્તા પૂ. સરલાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યાં : ધોરાજીમાં ગુણાનુવાદ સભા

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (ગોંડલ સંપ્રદાય) સંચાલિત પ્રભુલાલ મૂળજી મહેતા – જૈન ઉપાશ્રય, સ્ટેશન પ્લૉટ, ધોરાજી ખાતે પૂ. સમજુબાઈ મ.સ.નાં સુશિષ્યા મધુરવક્તા પૂ. સરલાબાઈ મ.સ. ૮૬ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષાપર્યાય સહિત સોમવારે ૩૧ ઑગસ્ટે બપોરે ૧૧.૪૫ વાગ્યે સમાધિભાવે કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે તેમની પાલખીયાત્રા નીકળી હતી આમરાપરમાં ચલાલાનિવાસી માતા સવિતાબહેન અને પિતા મગનભાઈ મૂળચંદ લાખાણીનાં પુત્રી સરલાબહેનને ૧૫-૦૫-૧૯૬૭ના દિવસે તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.એ દીક્ષામંત્ર અર્પણ કર્યો હતો. આજે પહેલી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે ગુણાનુવાદ સભા ધોરાજી ખાતે યોજાશે. આમ્બિવૅલીમાં બિરાજિત પૂ. શ્રી ધીરગુરુદેવે તેમને ગુણાંજલિ અર્પણ કરી હતી. ચાતુર્માસમાં વૈયાવચ્ચનો લાભ પ્રમુખ શરદ દામાણી વગેરેએ લીધેલો.
ભારતીયો માટે ઉઝબેકિસ્તાનમાં વીઝા-ફ્રી ૩૦ દિવસની એન્ટ્રી, દર અઠવાડિયે ૧૪ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા
ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે ૩૦ દિવસની વીઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે, જેનાથી ભારતીયો માટે પર્યટન અને વ્યવસાય માટે આ મધ્ય એશિયાઈ દેશમાં મુસાફરી કરવાનું સરળ બનશે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દર અઠવાડિયે ૧૪ સીધી ફ્લાઇટ્સ છે.
સાળંગપુર હનુમાન મંદિરમાં શિવલિંગ થીમ પર આધારિત શિવસ્વરૂપ શણગાર

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે શ્રાવણના સોમવારે શિવલિંગ થીમ પર આધારિત શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીદાદાને રુદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર, ત્રિશૂળ અને ડમરુ તેમ જ નમઃ શિવાય લખેલા વિશેષ વાઘા સાથે શિવજીના રૂપમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહને શિવલિંગ અને ત્રિપુંડના દૃશ્યમાન આકાર તેમ જ ત્રિશૂળોની આકૃતિઓથી સજાવવામાં આવ્યું હતું.
રુદ્રાક્ષથી મઢેલા કોલાબાચા સમ્રાટ

‘કોલાબાચા સમ્રાટ’ની રુદ્રાક્ષની મૂર્તિને પરેલની વર્કશૉપમાંથી રવિવારે મંડપમાં લઈ જતી વખતે મંડળના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આખી મૂર્તિને હજારો રુદ્રાક્ષથી મઢી લેવાઈ છે. કાળા અને બ્રાઉન રુદ્રાક્ષને કારણે મૂર્તિ અલગ ભાત પાડતી હતી. દેવી પાર્વતીના વિરહમાં શંકર ભગવાનનાં આંસુ જ્યાં પડ્યાં ત્યાં રુદ્રાક્ષનું વૃક્ષ ઉત્પન્ન થયું અને એથી રુદ્રાક્ષમાં દૈવી શક્તિ અને પવિત્ર હોવાની સનાતન ધર્મમાં માન્યતા છે. કાર્યકરોએ ગણપતિબાપ્પા મોરયાના જયજયકાર સાથે મૂર્તિને મંડપમાં પધરાવી હતી.
મુંબઈ પોર્ટ પર કાર્ગો ક્રેનમાં આગ લાગી, બે ઑપરેટરને ઈજા
મુંબઈ પોર્ટ પર રવિવારે સાંજે કાર્ગો અનલોડિંગ દરમ્યાન એક ક્રેનમાં અચાનક આગ લાગતાં બે ક્રેન ઑપરેટરને ઈજા થઈ હતી. રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે બાર્બેડોઝનો ધ્વજ ધરાવતા વિયેના નામના જહાજમાંથી બરકત નામની ખાનગી કંપનીની બે ક્રેન દ્વારા ૧૪૦ ટનનો ભારે કાર્ગો ઉતારવામાં આવી રહ્યો હતો. આ પ્રક્રિયા દરમ્યાન સંતુલન બગડતાં એક ક્રેનની લિફ્ટિંગ સ્ટ્રેપ લપસી ગઈ હતી, જેને લીધે આખું વજન અચાનક બીજી ક્રેન પર આવી ગયું હતું. એકાએક વજન વધતાં બીજી ક્રેન જમીન પરથી ઊંચકાઈ ગઈ હતી અને એનો ટેલિસ્કોપિક બૂમ જહાજ સાથે જોરથી અથડાયો હતો. આ ઇમ્પૅક્ટને કારણે ક્રેનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોર્ટ ફાયર-બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અકસ્માતમાં બરકત કંપનીમાં કામ કરતા બે ક્રેન ઑપરેટર રણજિત સિંહ અને નિશાંત સિંહ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને મુંબઈની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
