New Born Found Dead in Mumbai Airport`s Toilet: મુંબઈના છત્રપતિ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મંગળવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મિનલ-2 (T2) ખાતે આવેલ ટોઇલેટની કચરાપેટીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
(Mumbai Airport) મુંબઈના છત્રપતિ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Chhatrapati Maharaj International Airport)માં મંગળવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મિનલ-2 (T2) ખાતે આવેલ ટોઇલેટની કચરાપેટીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે.
બાળકને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો
Mumbai Airport: આ ઘટનાની જાણ મંગળવારે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ થઈ હતી, જ્યારે સફાઈ કર્મચારીઓને ટોઇલેટની અંદર કચરાપેટીમાં એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો. તરત જ કર્મચારીઓએ આ વાતની જાણ એરપોર્ટ સિક્યોરિટી અને પોલીસને કરી હતી. બાળકને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને ત્યાં પહોંચતા જ મૃત જાહેર કર્યો. હાલમાં, પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે કેસ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે
પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટર્મિનલ 2 (T2) ખાતે લાગેલા સીસીટીવી કેમેરા સ્કેન કરીને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર, મૃતદેહને તપાસ માટે કૂપર હૉસ્પિટલ (Cooper Hospital) મોકલવામાં આવ્યો છે. (Mumbai Airport) બીજી તરફ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (Mumbai International Airport Limited) દ્વારા પણ આ ઘટનાને લઈને ટૂંક સમયમાં નિવેદન જાહેર કરાશે.
થાણે જિલ્લામાં પણ મળ્યા હતા નવજાત બાળકના મૃતદેહ
આવા જ એક કિસ્સામાં થાણેના કિશનનગરમાં નવોદયા ઇંગ્લિશ સ્કૂલ નજીક આવેલા ખૈરુન્નિસા અપાર્ટમેન્ટના પહેલા માળની બારીની ગ્રિલ પર બેસાડવામાં આવેલા પતરા પર એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાની તપાસ થાણેનું શ્રીનગર પોલીસ-સ્ટેશન કરી રહ્યું છે. પોલીસે નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ મોકલીને બાળકના પેરન્ટ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. નિર્દયી રીતે નવજાતને ફેંકી દેનાર પેરન્ટ્સને શોધવા માટે સ્થાનિક રહેવાસીઓ પણ પોલીસ સાથેની તપાસમાં જોડાયા હતા. વર્સોવાના યારી રોડ પર અવર લેડી ચર્ચ નજીક ૬ દિવસનું એક નવજાત બાળક મૃત હાલતમાં જોવા મળતાં વર્સોવા પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતીના આધારે વર્સોવા પોલીસે બાળકને રોડ પર ત્યજી દેનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાતે બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું. એ ઉપરાંત જ્યારે તેને રોડ પર મૂકવામાં આવ્યું હશે ત્યારે તે જીવતું પણ હશે એવી સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. હજી એક આવા જ કિસ્સામાં ઘાટકોપરની ગંગાવાડી નજીક એક ગટર પાસેથી મૃત હાલતમાં એક નવજાત બાળક કપડામાં વીંટળાયેલું મળી આવતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. એક નાગરિકે પોલીસને આ ઘટનાની જાણ કરતાં પોલીસે તેને હૉસ્પિટલમાં ખસેડ્યું હતું, પણ ડૉક્ટરે આ બાળકને મૃત જાહેર કર્યું હતું. ઘાટકોપર પોલીસે બાળકની અજાણી માતા સામે ગુનો નોંધીને સીસીટીવી કૅમેરાનાં ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.

