Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યાના બીજા દિવસે પણ છગન ભુજબળ આક્રમક મૂડમાં

જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યાના બીજા દિવસે પણ છગન ભુજબળ આક્રમક મૂડમાં

Published : 18 December, 2024 07:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું શું મૂર્ખ છું? બીજાને આપેલું વચન પાળવા ભુજબળનો ભોગ લેવાનો? મને શું લલ્લુ-પંજુ સમજો છો?- રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અજિત પવારે પાર્ટીના નેતા મકરંદ પાટીલને પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું એ પૂરું કરવા OBC નેતાને પ્રધાનમંડળમાં સ્થાન ન મળ્યું

છગન ભુજબળ

છગન ભુજબળ


રાજ્ય પ્રધાનમંડળમાં સ્થાન ન મળવા બદલ નારાજ થઈને પાર્ટીના નેતૃત્વ સામે મ્યાનમાંથી તલવાર કાઢનારા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા છગન ભુજબળ ગઈ કાલે પણ આક્રમક મૂડમાં હતા.


ગઈ કાલે સવારે નાશિકમાં સમતા પરિષદના કાર્યકરોને સંબોધતાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના નેતા ભુજબળે કહ્યું હતું કે ‘મને પ્રધાનપદ આપવા માટે દેવેન્દ્ર ફડણવીસ પણ આગ્રહી હતા તો પછી મારું નામ કોણે કાપ્યું એ શોધવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે. દરેક પક્ષમાં નિર્ણય જે-તે પક્ષના પ્રમુખ લેતા હોય છે. ભારતીય જનતા પાર્ટી (BJP)માં નિર્ણય દેવેન્દ્ર ફડણવીસ લે છે એવી જ રીતે શિવસેનામાં એકનાથ શિંદે અને અમારા પક્ષમાં અજિત પવાર બધા નિર્ણય લે છે.’



ત્યાર બાદ તેઓ પોતાના મતદારક્ષેત્ર યેવલા ગયા હતા ત્યાં પણ તેમણે કાર્યકરોને સંબોધતી વખતે પોતાની સાથે અત્યાર સુધી કેવા અન્યાય થયા છે એની વાત કરી હતી. પોતાને રાજ્યસભામાં મોકલવાની વાત વિશે તેમણે કહ્યું હતું કે ‘આઠ દિવસ પહેલાં પ્રફુલ પટેલે સમીરભાઉ (સમીર ભુજબળ)ને બોલાવીને કહ્યું હતું કે ભુજબળસાહેબને આપણે રાજ્યસભામાં મોકલીએ. મકરંદ પાટીલને પ્રધાન બનાવવા માટે મને રાજ્યસભામાં મોકલવાની આ વાત હતી. હું શું મૂર્ખ છું? બીજાને આપેલું વચન પાળવા માટે ભુજબળનો ભોગ લેવાનો? મને શું લલ્લુ-પંજુ સમજો છો? કોણ પ્રધાન થશે એની ચર્ચા સુધ્ધાં નથી કરી. મારી જો કોઈ કિંમત ન હોય તો પાર્ટીમાં રહેવાનો અર્થ શું? તમે (અજિત પવારે) વચન આપ્યું એટલે મારે કંઈ પણ કરવાનું?’


નારાજ છગન ભુજબળને રાજ્યપાલ બનાવવામાં આવશે?
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ માનવામાં આવતા આશિષ દેશમુખે ગઈ કાલે છગન ભુજબળના બળવા સંદર્ભે કહ્યું હતું કે ભુજબળસાહેબ વરિષ્ઠ નેતા છે અને તેમને રાજ્યપાલનું પદ પણ મળી શકે છે. ત્યાર બાદ તેમની જ પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારની નારાજગી વિશે તેમણે કહ્યું હતું કે સુધીરભાઉને પાર્ટી કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

ભુજબળ-વિવાદમાં ઉદ્ધવનું ડબકું
છેલ્લા બે દિવસથી વિરોધ પક્ષના ઘણા નેતાઓ છગન ભુજબળના સપોર્ટમાં આવ્યા છે અને તેમની સાથે અન્યાય થયો હોવાનું કહી રહ્યા છે. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ પણ આ મામલામાં કૂદકો માર્યો હતો અને છગન ભુજબળ સાથે ખોટું થયું હોવાનું કહ્યું હતું એટલું જ નહીં, ત્યાર બાદ એક પત્રકારે તેમને પૂછ્યું કે તમે છગન ભુજબળ સાથે સંપર્કમાં છો? એના ઉત્તરમાં તેમણે ગૂગલી છોડી હતી કે ખાસ કોઈ કૉન્ટેક્ટ નથી, પણ વચ્ચે-વચ્ચે સંપર્કમાં રહીએ છીએ.


નોંધનીય વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેના આ સ્ટેટમેન્ટ બાદ છગન ભુજબળે પણ કહ્યું હતું કે ‘હા, હું ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરતો હોઉં છું અને તેમના સંપર્કમાં રહું છું. હું શરદ પવાર સાથે પણ વાત કરું છું. ૧૨ ડિસેમ્બરે જ હું તેમને મળ્યો હતો. હું સુપ્રિયા સુળેના સંપર્કમાં પણ છું. તેમને મેસેજ કરતો રહું છું અને તેઓ પ્રતિક્રિયા પણ આપે છે. હું આ બધા સાથે વાત કરું છું એમાં થયું શું? આપણે જેની સાથે કામ કર્યું હોય તેમના સંપર્કમાં રહેતા જ હોઈએ. ખાસ પ્રસંગોએ એકબીજાને શુભેચ્છા પણ આપીએ છીએ.’

નાગપુરમાં રાજકીય ગરમાટો


પરભણીમાં પોલીસ-કસ્ટડીમાં થયેલા સોમનાથ સૂર્યવંશીના મૃત્યુ બાબતે અને બીડમાં સરપંચ સંતોષ દેશમુખની કથિત હત્યા બાબતે તરત ઍક્શન લેવામાં આવે એવી માગણી સાથે ગઈ કાલે નાગપુરમાં મહા વિકાસ આઘાડીના નેતાઓએ ધરણાં કર્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK