નાશિકના સિન્નર તાલુકામાં દીપડાના આતંકથી લોકો ભયભીત
કૂવામાં પડી ગયેલો દીપડો.
નાશિકના સિન્નર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. શિવડી ગામનો ગોરખ જાધવ નામનો ખેડૂત ખેતરમાં કામ કરવો ગયો હતો અને સવારે ૧૧.૩૦ વાગ્યે તે કૂવા પાસે જમવા બેઠો હતો. એ સમયે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. ડરી ગયેલો ગોરખ પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં કૂવામાં પડી ગયો હતો. જોકે તેની પાછળ દીપડો પણ તરત કૂવામાં કૂદી પડ્યો હતો. બન્નેનાં કૂવામાં મૃત્યુ થઈ ગયાં હતાં.
આ ઘટના પછી દીપડાના આતંકથી પરેશાન ગામવાસીઓએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે પછી ગામવાસીઓની મદદથી જ દીપડાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ગામવાસીઓએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં આ જ દીપડાએ ખેતરમાં કામ કરતા અન્ય એક યુવક પર પણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી હજી યુવકની સારવાર ચાલે છે.


