અહીં તમે કૉફી અને નાસ્તો કરતાં-કરતાં મનગમતું પેઇન્ટિંગ કરી શકો. અહીં કોઈ કોલાહલ નથી થતો, તમારા જેવા જ લાઇક માઇન્ડેડ ચિત્રકારો પોતાની ચિત્રની દુનિયામાં ખોવાયેલા હોય અને તમે પણ કલ્પનાના દૃશ્યને કૅન્વસ પર ઉતારવામાં વ્યસ્ત હો.
આવો, ખાઓ અને પેઇન્ટિંગ બનાવો: નાશિકના કૅફેની અનોખી પહેલ
કૅફે કલ્ચરમાં મોટા ભાગે શાંતિથી બેસીને દોસ્તો સાથે કલાકો સુધી વાતો કરવાની, ઑફિસનું કામ કરવાનું કે ઈવન કોઈ મનગમતું પુસ્તક વાંચવાનું બધાએ કર્યું હશે. ટાઇમપાસ અને મેળાવડાનું બીજું માધ્યમ કૅફે બની રહ્યું છે ત્યારે નાશિકના એક એન્જિનિયરે એવું કૅફે ખોલ્યું છે જ્યાં લોકો પેઇન્ટિંગ કરી શકે છે. કૅફેમાં આએદિન પેઇન્ટિંગની વર્કશૉપ્સ થતી હોય એવું કલ્ચર હવે મુંબઈ સહિત અનેક શહેરોમાં જોવા મળે છે, પરંતુ નાશિકનું ધ કૉફી વિથ કૅન્વસ કૅફે થોડું જુદું છે. અહીં તમે કૉફી અને નાસ્તો કરતાં-કરતાં મનગમતું પેઇન્ટિંગ કરી શકો. અહીં કોઈ કોલાહલ નથી થતો, તમારા જેવા જ લાઇક માઇન્ડેડ ચિત્રકારો પોતાની ચિત્રની દુનિયામાં ખોવાયેલા હોય અને તમે પણ કલ્પનાના દૃશ્યને કૅન્વસ પર ઉતારવામાં વ્યસ્ત હો. આ કૅફેમાં તમારે માત્ર કૅન્વસના જ પૈસા ચૂકવવાના, બાકી જોઈએ એટલાં રંગો, પીંછી અને જરૂરી અસેન્શિયલ આઇટમો તદ્દન ફ્રી મળે.
આ કૅફે ખોલ્યું છે ઉસામા મણિયાર નામના યુવાને. બાળપણથી જ પેઇન્ટિંગનો શોખ હતો પરંતુ સાયન્સ સ્ટ્રીમમાં ભણવાનું અને પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી તેણે લંડનની એક ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કંપનીમાં સેલ્સ મૅનેજરનું કામ કર્યું. અહીં ફુલટાઇમ કામ કરવામાં તેને ચિત્રોના પૅશન માટે સમય જ નહોતો મળતો એટલે તેણે એવું કામ શોધ્યું જેમાં તેણે આખો દિવસ કંઈક ને કંઈક કામ કર્યા ન કરવું પડે. તેણે વિચાર્યું કે એક નાનું કૅફે ખોલીને સાઇડમાં પેઇન્ટિંગ કરતો રહીશ અને બીજા કોઈને પેઇન્ટિંગ કરવું હોય તો એ માટે મોકળાશ આપવી. પર્સનલ પૅશનમાંથી શરૂ થયેલો આ કૉન્સેપ્ટ કલાપ્રેમીઓને બહુ ગમવા લાગ્યો છે.

