આવતી કાલે હિન્દુઓના નવા વર્ષ ગુઢીપાડવાએ નરેન્દ્ર મોદી આવશે નાગપુરની મુલાકાતે
નરેન્દ્ર મોદી
તેમની આ વિઝિટને ભવ્ય બનાવવા માટે ૩૦ કિલોમીટર રસ્તા અને એના પર આવેલા ૪૭ ચોકને સજાવવામાં આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુઢીપાડવાએ હિન્દુઓના નવા વર્ષના પાવન દિવસે નાગપુરની મુલાકાતે આવશે. વડા પ્રધાન સવારે ૯ વાગ્યે નાગપુર પહોંચશે. તેઓ સૌથી પહેલાં નાગપુરના રેશિમબાગ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં આવેલા સ્મૃતિ મંદિરનાં દર્શન કરશે. ત્યાર બાદ વડા પ્રધાન દીક્ષાભૂમિની મુલાકાતે જશે. એ પછી વડા પ્રધાન ૧૦ વાગ્યે માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કરશે અને જાહેર સભાને સંબોધશે. ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પહેલી વખત RSSના મુખ્યાલયના સ્મૃતિ મંદિરનાં દર્શન કરશે. છેલ્લે ૨૦૧૨માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે સ્મૃતિ મંદિરનાં દર્શન કર્યાં હતાં. વડા પ્રધાન નાગપુરમાં જ્યાંથી પ્રવાસ કરવાના છે એ ૩૦ કિલોમીટર રસ્તા અને ૪૭ ચોકને શણગારવામાં આવશે.
ADVERTISEMENT
RSSનું આ શતાબ્દી વર્ષ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરની મુલાકાત મહત્ત્વની માનવામાં આવી રહી છે. સંઘે વડા પ્રધાનને આમંત્રણ આપ્યું હોવાથી વડા પ્રધાન રેશિમબાગમાં જશે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS દ્વારા વડા પ્રધાનનું જંગી સ્વાગત કરવા માટે ઠેકઠેકાણે ગુઢી ઉભારીને અને લોકોને મીઠાઈ વહેંચીને હિન્દુ નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની અધ્યક્ષતામાં વડા પ્રધાનની નાગપુરની મુલાકાત વિશે ગુરુવારે બેઠક મળી હતી. એમાં નાગપુરના મુખ્ય પદાધિકારી અને વિધાનસભ્યો સાથે ચર્ચા કરીને વડા પ્રધાનની મુલાકાતને ભવ્ય બનાવવા માટેની તૈયારીઓમાં લાગી જવાની સૂચના આપવામાં આવી હતી.
૧૨ એપ્રિલે અમિત શાહ રાયગડ કિલ્લાની મુલાકાતે
છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગડ કિલ્લામાં હતી અને આ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ બનાવવામાં આવી છે. ૧૨ એપ્રિલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાયગડ કિલ્લાની મુલાકાતે આવવાના છે ત્યારે ગઈ કાલે રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન આશિષ શેલારે રાયગડ કિલ્લામાં જઈને ૧૨ એપ્રિલે આયોજિત કાર્યક્રમની તૈયારી બાબતની બેઠક કરી હતી.

