અજિત પવારનો અકસ્માત હજી તાજો જ છે ત્યાં પંકજા મુંડેના હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, મુસાફરી રદ કરવી પડી
પંકજા મુંડે
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા પંકજા મુંડેના હેલિકૉપ્ટરમાં ગઈ કાલે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જિલ્લાપરિષદની ચૂંટણીના પ્રચાર માટે લાતુર જઈ રહેલાં પંકજા મુંડે છત્રપતિ સંભાજીનગરથી ટેક-ઑફ કરે એ પહેલાં જ આ ખામી સર્જાઈ હોવાની જાણ થઈ હતી એટલે તેમણે આગળની મુસાફરી અને મીટિંગો રદ કરવી પડી હતી.
થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ચાર્ટર્ડ પ્લેનનો અકસ્માત થયો હતો. એ ઘટનાનો ઉલ્લેખ પંકજાએ ગઈ કાલે કર્યો હતો અને પોતે જ્યારે પણ હેલિકૉપ્ટર કે પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે મમ્મીનો જીવ તાળવે ચોંટેલો હોય છે એવું પણ કહ્યું હતું.
ADVERTISEMENT
ટેક્નિકલ ખામી બાબતે પંકજા મુંડેએ કહ્યું હતું કે ‘હું સવારે ૧૦.૩૦ વાગ્યે લાતુર જવાની હતી, પણ મને જાણ કરવામાં આવી હતી કે હું ગઈ કાલે જે હેલિકૉપ્ટરમાં છત્રપતિ સંભાજીનગર આવી હતી એ હેલિકૉપ્ટરમાં કોઈ ટેક્નિકલ ખામી છે. ગઈ કાલે પણ મને એવું લાગ્યું હતું કે આ હેલિકૉપ્ટર જૂનું છે, પરંતુ ટેક્નિકલ બાબતોની દૃષ્ટિએ એમાં શું ખામી છે એ મને ખ્યાલ નહોતો.’
પંકજા મુંડેએ અજિતદાદાને યાદ કરતાં કહ્યું હતું કે ‘અજિતદાદાનો પ્લેન-ક્રૅશમાં જીવ ગયો. હું વિચારી પણ નથી શકતી કે દુર્ઘટના સમયે તે લોકોને કેવો અનુભવ થયો હશે, તેમણે કેટલી ભયંકર પીડા અને ડર અનુભવ્યો હશે. અનેક કાર્યકરો મને મેસેજ મોકલે છે કે હેલિકૉપ્ટરમાં મુસાફરી ન કરો, પણ ફરજ તો બજાવવી જ પડશેને.’


