આવતા અઠવાડિયે વાનગીઓના ભાવમાં ૧૦થી ૧૫ ટકાના વધારાની તૈયારી
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
રેસ્ટોરાંમાં જમતા ગ્રાહકોના ખિસ્સા પર ટૂંક સમયમાં વધુ બોજ આવવા પાછળ માત્ર ખાદ્ય સામગ્રીના વધતા ભાવો જ એકમાત્ર કારણ નથી. હોટેલિયર્સનું કહેવું છે કે સાફસફાઈ માટેનાં નવાં સાધનો, સ્ટાફની ટ્રેઇનિંગ અને સુધારેલી હાઇજીન પદ્ધતિઓ પાછળ થતા ખર્ચ સતત વધી રહ્યા છે જેના કારણે ઓવરહેડ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે.
ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR) દ્વારા આવતા અઠવાડિયાથી મેનુના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ આ નિર્ણય પાછળ કાચા માલના ભાવ અને ચોખ્ખાઈ તેમ જ હાઇજીન જાળવવાના ખર્ચને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
AHARના પ્રમુખ વિજય કે. શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘કાચા માલના ભાવ ઉપરાંત ઓવરહેડ ચાર્જિસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમારે સ્ટાફને અપગ્રેડેડ હાઇજીન પદ્ધતિઓની તાલીમ આપવી પડે છે, એ મુજબ તેમના પગાર વધારવા પડે છે તેમ જ વધુ સારાં અને ઇલેક્ટ્રિક ક્લીનિંગ સાધનો વસાવવાં પડે છે. ઉદ્યોગે ઘણા સમયથી વધતા ખર્ચનો બોજ સહન કર્યો છે. આ ભાવવધારો નફો કમાવા માટે નહીં, પરંતુ ફૂડની ગુણવત્તા, સ્વચ્છતા અને સર્વિસ જાળવી રાખવા માટે અનિવાર્ય છે. અમે એવું નથી કહેતા કે હોટેલો અત્યાર સુધી અસ્વચ્છ સેવા આપતી હતી, પરંતુ સમયની જરૂરિયાત મુજબ અપગ્રેડ થવું જરૂરી છે અને આ તમામ બાબતો આર્થિક બોજ વધારે છે.’
સફાઈ-સ્ટાફ પાછળ દર મહિને ૬૦,૦૦૦નો ખર્ચ
આરામ વડાપાંઉના માલિક કૌસ્તુભ તાંબેએ જણાવ્યું હતું કે ‘અમારો સ્ટાફ હંમેશાં નિયમિત સફાઈ રાખે જ છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ભીડને કારણે કોઈ જગ્યા સાફ કરવામાં થોડી મિનિટોનો પણ વિલંબ થાય તો લોકો હોબાળો મચાવે છે અને બાદમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના ઇન્સ્પેક્ટરો અમારા જેવા પ્રામાણિક હોટેલિયર્સને પણ ભીડવવા તૈયાર બેઠા હોય છે.’
તેમણે ઉમેર્યું હતું કે ‘બે શિફ્ટ માટે સમર્પિત ક્લીનિંગ સ્ટાફ રાખવા પાછળ એક એજન્સીએ દર મહિને ૬૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ જણાવ્યો છે. આ ઉપરાંત અખબારના કાગળને બદલે ફૂડ-ગ્રેડ રૅપિંગ પેપર વાપરવાને કારણે પણ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે.’
FDAના આકરા દંડથી હોટેલિયર્સ પરેશાન
કૅફે મૈસૂરના માલિક નરેશ નાયકે જણાવ્યું હતું કે ‘પાંચથી દસ લાખ રૂપિયા જેટલો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે જે કોઈ પણ સામાન્ય હોટેલ માટે સહન કરવો અશક્ય છે. દંડના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે અને વૈશ્વિક તનાવને પગલે કાચા માલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે.’
ગ્રાહકોનો સવાલ : મૂળભૂત સ્વચ્છતા માટે વધારાના પૈસા કેમ ચૂકવવા?
બીજી તરફ ગ્રાહકોનું કહેવું છે કે હાઇજીન એ કોઈ પણ ફૂડ બિઝનેસની પાયાની જવાબદારી છે, વધુ નાણાં વસૂલવાનું બહાનું નહીં. મલાડનાં રહેવાસી ભારતી લાલવાણીએ સવાલ કર્યો હતો કે મુંબઈ જેવા શહેરમાં લોકો બહાર ખાવાનું બંધ નહીં કરે, પરંતુ શું એનો અર્થ એવો છે કે હલકી ગુણવત્તાનું કે અસ્વચ્છ વાતાવરણમાં ભોજન પીરસવું? અન્ય એક નાગરિક સુહાસિની વેંકટેશે જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે થોડાં વધુ નાણાં આપવા યોગ્ય હોઈ શકે, પરંતુ જ્યારે ફાઇવ-સ્ટાર હોટેલ્સના ભોજનમાંથી પણ કૉક્રૉચ નીકળતા હોય ત્યારે લોકો વધારાના પૈસા શેના માટે ચૂકવે?
ભાવવધારા પાછળનાં મુખ્ય કારણો
કાચો માલ : શાકભાજી, તેલ અને અન્ય સામગ્રીના વધતા ભાવો
સ્ટાફ અને તાલીમ : હાઇજીન ટ્રેઇનિંગ અને કર્મચારીઓના વધેલા પગાર
સાધન-સામગ્રી : ઇલેક્ટ્રિક ક્લીનિંગ ઉપકરણો અને સમર્પિત સ્ટાફનો ઓવરહેડ ખર્ચ
પૅકેજિંગ : અખબારને બદલે મોંઘા ફૂડ-ગ્રેડ રૅપિંગ પેપરનો ઉપયોગ
FDA પેનલ્ટી : નિયમોના પાલન પાછળ અપાતા આકરા દંડનો બોજ.
