કમોસમી વરસાદથી શહેરમાં ઠંડક વધી
અણધાર્યા વરસાદની મોસમમાં વાહનચાલકોને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે (તસવીર: સતેજ શિંદે)
પશ્ચિમ અને દક્ષિણ મુંબઈમાં મંગળવારે સવારે ૧૨.૩૦ વાગ્યા પછી હલકો અને અવિરત વરસાદ પડ્યો હતો. રાતે અને બપોરે મોટા ભાગનો સમય આકાશમાં વાદળ છવાયેલાં રહ્યાં હતાં અને તાપમાન લગભગ પાંચ ડિગ્રી જેટલો નીચે ઊતર્યું હતું.
સ્કાયમેટ વેધરના ચીફ મહેશ પલાવતે જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં પૂર્વ અને મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ હતી, જે હવે નબળું પડતાં મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગોમાં અને ઉત્તર મહારાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત સુધી ફેલાઈ છે. ડિસેમ્બરમાં મુંબઈમાં માત્ર ૧.૬૬ મીમી વરસાદ હોવા છતાં મંગળવારે સાંતાક્રુઝમાં ૬.૩ મીમી અને કોલાબામાં ૧૯.૬ મીમી વરસાદ નોંધાયો હતો. જોકે બુધવારે સવાર સુધીમાં હવામાન સ્પષ્ટ થવાનું શરૂ થઈ જશે.
ADVERTISEMENT
બપોરે પલાવતે ટ્વિટર પર જણાવ્યું હતું કે વાદળો પૂર્વ દિશામાં ઔરંગાબાદ, શિર્ડી, અહમદનગર અને પુણે તરફ વળ્યાં હતાં. આઇએમડી, મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં મુંબઈમાં વરસાદ નિયમિત નથી હોતો . જોકે અસ્પષ્ટ આકાશ, નબળું દૃશ્ય સંભવિત છે મુંબઈગરાને વિશેષ ખતરો ન હોવા છતાં તેમણે વાહનચાલકોને સંભાળીને વાહન હંકારવાની તાકીદ કરી હતી.

