હાજી અલી દરગાહના મૅનેજમેન્ટે દરગાહના પરિસરમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરવાની ઑફર કરી છે.
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે
હાજી અલી દરગાહના મૅનેજમેન્ટે દરગાહના પરિસરમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરવાની ઑફર કરી છે. આ ઉપરાંત ટ્રસ્ટીઓએ માટુંગા મસ્જિદ, માહિમ કબ્રસ્તાન અને કુર્લાની ગ્રીન બૉમ્બે સ્કૂલમાં પણ રસીકરણ કેન્દ્રો શરૂ કરવાની ઑફર કરી છે. ટ્રસ્ટીઓ સરકારી સંસ્થાઓના જવાબની રાહ જોઈ રહ્યા છે.
હાજી અલીના ટ્રસ્ટી અને માહિમ દરગાહના મૅનેજિંગ ટ્રસ્ટી સોહૈલ ખંડવાણીએ જણાવ્યું હતું કે ‘અમે આ સ્થળોએ રસીકરણ કેન્દ્રો શરૂ કરવા માટે સંબંધિત વહીવટી તંત્રોને પત્ર મોકલ્યો છે. જો આ તમામ સ્થળોએ રસીકરણ કેન્દ્રો શરૂ કરાશે તો ઘણા લોકોને રસી મુકાવવાનું ઉત્તેજન મળશે.’
ADVERTISEMENT
હાજી અલી દરગાહના ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર મોહમ્મદ અહમદ તાહિરે જણાવ્યું હતું કે ‘હાજી અલી દરગાહ જેવાં ધર્મસ્થાનો રસીકરણ માટેનું આદર્શ સ્થળ બની શકે છે, કારણ કે લોકો એમના પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. આ ઉપરાંત રસી લેતા અચકાઈ રહેલા લોકોને એના કારણે રસી લેવાનું ઉત્તેજન મળશે. લોકો માનતા હોય છે કે સૂફી સંતોના આશીર્વાદને કારણે દરગાહ પર કશું ખોટું નથી થઈ શકતું. જો ત્યાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો લોકોને સૂફી સંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તક પણ મળે છે. જો અહીં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો અમારી પાસે સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી કરવા માટે પૂરતી જગ્યા છે.’