અંધેરીના વર્સોવા વિસ્તારની એક હોટેલમાંથી આકાંક્ષા મોહન નામની મૉડલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો ઃ ઘર પાસે હોવા છતાં તેણે હોટેલમાં કેમ જીવન ટૂંકાવ્યું?
હોટેલમાં જઈને જીવન ટૂંકાવનારી મૉડલ આકાંક્ષા મોહન
અંધેરી-વેસ્ટમાં વર્સોવા વિસ્તારમાં આવેલી એક હોટેલની રૂમમાંથી ગુરુવારે સાંજે ૩૦ વર્ષની એક મૉડલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હોટેલની રૂમમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે જીવનથી ખુશ નથી એટલે શાંતિ મેળવવા માટે આ પગલું ભરી રહી છું. મૉડલનું એકાદ કિલોમીટર જેટલા અંતરે ઘર હોવા છતાં તે હોટેલમાં શા માટે આવી હતી અને ઘરમાં પણ તે આત્મહત્યા કરી શકી હોત એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
હોટેલની રૂમમાંથી આકાંક્ષાનો મૃતદેહ પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હોટેલના સ્ટાફે મૅનેજરને જાણ કરતાં તેણે પોલીસને બોલાવી હતી. પોલીસે હોટેલની રૂમની તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું છે કે ‘જીવનથી નારાજ છું. શાંતિ મેળવવા માટે આ પગલું ભરું છું. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી એટલે કોઈને હેરાન નહીં કરતા.’ પોલીસે મૉડલના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારીને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો.
ADVERTISEMENT
૩૦ વર્ષની મૉડલે બુધવારે બપોરના એક વાગ્યે હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. ચારેક વાગ્યે ચા-નાસ્તો કર્યો હતો અને રાત્રે ડિનર પણ ઑર્ડર કર્યું હતું. બીજા દિવસે બપોર સુધી આકાંક્ષાએ કોઈ ઑર્ડર નહોતો આપ્યો. બાદમાં રૂમની સફાઈ કરવા માટે એક કર્મચારીએ રૂમની બેલ મારી હતી. અનેક વખત બેલ મારવા છતાં તેણે રૂમ ન ખોલતાં સફાઈ-કર્મચારીએ હોટેલના મૅનેજરને જાણ કરી હતી. મૅનેજરે પણ અનેક વખત મૉડલની રૂમની ડોરબેલ વગાડી હતી, પરંતુ અંદરથી કોઈ હલચલ નહોતી થઈ. આથી તેણે પોલીસને જાણ કરતાં વર્સોવા પોલીસની ટીમ હોટેલમાં પહોંચી હતી.
પોલીસની હાજરીમાં હોટેલના મૅનેજર ડુપ્લિકેટ ચાવીથી મૉડલની રૂમ ખોલી હતી. રૂમની અંદર બધા ગયા ત્યારે તેમને પંખા સાથે આકાંક્ષા લટકતી જોવા મળી હતી. બધાએ તાત્કાલિક મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલ મોકલી આપ્યો હતો.
વર્સોવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સિરાજ ઇનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ વર્ષની આકાંક્ષા મોહનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે, પણ તેનો જન્મ મુંબઈમાં જ થયો હતો. મૉડલિંગમાં તે ઘણા સમયથી સંઘર્ષ કરતી હોવાનું તથા મૉડલિંગની સાથે તેણે કેટલીક ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવી હોવાનું જણાયું છે. અંધેરીના લોખંડવાલા નજીકના યમુનાનગરમાં તે ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહેતી હતી. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આકાંક્ષા ઉદાસ રહેતી હતી. ઘરમાં ચોવીસ કલાક બધા હાજર હોય છે એટલે આત્મહત્યા કરવા માટે તે હોટેલમાં આવી હોવાની શક્યતા છે. સુસાઇડ નોટના લખાણ પરથી તેણે હતાશામાં આ પગલું ભર્યું હોઈ શકે છે. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.