મુંબઈ : તમામ જમ્બો સેન્ટર્સમાં ડાયાલિસિસની સુવિધા
બીકેસીના એમએમઆરડીએ મેદાનમાં જમ્બો કોવિડ સેન્ટરમાં આવેલું ડાયાલિસિસ સેન્ટર.
ઘરે રહીને સારવાર કરાવવાનો વિકલ્પ અપનાવનારા પેશન્ટની સંખ્યામાં વધારો થતાં ડાયાલિસિસની પણ આવશ્યકતા હોય તેવા પેશન્ટોને પૂરતી સગવડો ઉપલબ્ધ થઈ શકતી નથી. આને ધ્યાનમાં રાખતાં બીકેસી અને ગોરેગામમાં શરૂ કરાયેલાં જમ્બો સેન્ટર્સમાં સારવારની જરૂરત ધરાવતા કોવિડ-19ના દરદીઓ માટે ડાયાલિસિસ એકમો સ્થાપવામાં આવશે.
બીકેસીના એમએમઆરડીએ કોવિડ કેન્દ્રમાં ડાયાલિસિસનાં 18 મશીનો છે, જેમાંથી છ મશીન ગંભીર રોગીઓ માટે અને ગોરેગામમાં નેસ્કો કેન્દ્રમાં 10 મશીનો છે. આ મશીનનો મૂળ હેતુ સારવાર કેન્દ્રમાં ભરતી થયેલા કોવિડ સંક્રમિત દરદીઓને અન્ય હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરતાં અટકાવવાનો છે.
ADVERTISEMENT
અગાઉ ગંભીર બીમારી ધરાવનારા કે ડાયાલિસિસની આવશ્યકતા ધરાવતા પેશન્ટોને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા. હવે જમ્બો સારવાર કેન્દ્રોમાં જ આવા ગંભીર રોગ ધરાવતા પેશન્ટો માટે ડાયાલિસિસ એકમો કે હાઈ-એન્ડ વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાર પેશન્ટોનું ડાયાલિસિસ કરાયું હોવાનું જણાવતાં નેસ્કો સેન્ટરનાં વડાં ડૉક્ટર નીલમે ઉમેર્યું હતું કે દરેક મશીનનો ઉપયોગ ચાર કલાકના સેશન માટે કરવામાં આવે છે અને રોજના 30 પેશન્ટની સારવાર કરવામાં આવે છે.
ડૉક્ટર એન્ડ્રેએ જણાવ્યા મુજબ ડૉક્ટર નીલમે નેસ્કો સેન્ટરમાં દાખલ કરાયેલા પેશન્ટની સંખ્યામાં ઘટાડો થતો જોયો છે. આ મશીનો ઘરે એકાંતવાસ ભોગવતા પેશન્ટોને વધુ લાભકારી રહેશે.
કોવિડના ઘણા ઓછા પેશન્ટોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહે છે. મોટા ભાગના પેશન્ટો ઘરે જ સારવાર મેળવે છે. કોઈ પણ કોવિડ પેશન્ટ તેની મેડિકલ સ્થિતિના જાણકાર ડૉક્ટર સાથે આવીને ડાયાલિસિસ કરાવી શકે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
નેસ્કો સેન્ટરમાં 77 પોર્ટેબલ વેન્ટિલેટર્સ ઉપરાંત આઠ હાઈ-એન્ડ વેન્ટિલેટર્સ છે તેમ જ અન્ય હૉસ્પિટલોમાંથી વધુ 10 વેન્ટિલેટર્સની માગણી મૂકવામાં આવી છે, જેનો ઉપયોગ કોવિડ પેશન્ટની સારવાર માટે નહીં કરવામાં આવે. નેસ્કો કેન્દ્રને ટૂંક સમયમાં ડાયાલિસિસની આવશ્યકતા ધરાવતા કોવિડ પેશન્ટ માટે ખુલ્લું મૂકવામાં આવશે એમ જણાવતાં બીકેસીના જમ્બો સેન્ટરના ડીન ડૉક્ટર રાજેશ દેરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં તેમણે ઓપીડીના ધોરણે તમામ કોવિડ પરેશન્ટો માટે ડાયાલિસિસ એકમ ખુલ્લું મૂક્યું હતું, જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
અમારી પાસે ડાયાલિસિસના 12 બેડ યુનિટ તથા આઇસીયુના છ બેડ છે. 72 પેશન્ટો માટે અમે નિઃશુલ્ક ઓપીડીના ધોરણે ડાયાલિસિસ મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ. હાલમાં 332 કોવિડ પેશન્ટો ડાયાલિસિસની સારવાર મેળવી રહ્યા છે.

