Mumbai Fire: ગોરેગાંવ પશ્ચિમમાં બાંગુર નગર વિસ્તારમાં આજે સવારે એક ડેકોરેશન યુનિટમાં લાગી આગ; સદ્નસીબે કોઈ જાનહાનિ નહીં; મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી; આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
આજે સવારે મુંબઈ (Mumbai)માં વધુ એક આગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે ગોરેગાંવ (Goregaon) પશ્ચિમમાં ડેકોરેશનના સામાનના એક યુનિટમાં આગ લાગી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી.
મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા બાંગુર નગર (Bangur Nagar) વિસ્તારમાં ગુરુવારે સવારે ડેકોરેશનના સામાનના એક યુનિટમાં આગ ફાટી નીકળી (Mumbai Fire) હતી. આ ઘટનાની જાણ થતા જ વિવિધ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી.
ADVERTISEMENT
આજે સવારે ડેકોરેશન યુનિટમાં લાગેલિ આગના વીડિયો વાયરલ થયા છે. આગના દ્રશ્યોમાં દુકાનમાંથી ભીષણ જ્વાળાઓ અને તણખાઓ નીકળતા જોઈ શકાય છે. આ આગમાં વ્યવસાયિક એકમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.
અહીં જુઓ વીડિયોઃ
View this post on Instagram
આગની ઘટનાને પગલે ઘટનાસ્થળની આસપાસના રસ્તાઓ પર વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. અચાનક લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
લેવલ ૧ની આગ
મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Frie Brigade) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના સવારે અંદાજે ૯.૨૫ વાગ્યે મોતીલાલ નગર નંબર ૨ માં ડી-માર્ટની સામે આવેલી `નિધિ ડેકોરેટર` (Nidhi Decorator) નામની દુકાનમાં બની હતી. સવારે ૯.૩૭ વાગ્યે આ આગને `લેવલ-1` ની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. જેનો અર્થ છે કે આગ મર્યાદિત સ્વરૂપની હતી અને તેના પર ટૂંકા સમયમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
મળેલી વિગતો મુજબ, ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ દુકાન પરિસરમાં રહેલા ડેકોરેશનના સામાન પૂરતી જ મર્યાદિત રહી હતી, જેના કારણે તે આસપાસના અન્ય બાંધકામોમાં ફેલાતી અટકી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા અને તેમણે આગને વધુ વધતી અટકાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી. સંનિષ્ઠ પ્રયાસોને લીધે આગ પર સમયસર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ફાયર બ્રિગેડની સાથે મુંબઈ પોલીસ (Mumbai Police), વીજ પુરવઠો પૂરો પાડતી અદાણી કંપની (Adani electricity)ની ટીમ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક વોર્ડના સ્ટાફને સાવચેતીના પગલે તૈનાત કરવામાં આવ્યા હતા.
વહીવટીતંત્ર દ્વારા આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો અને અન્ય કોઈ સંભવિત જોખમો ઊભા ન થાય તે માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. કટોકટી સેવાઓની ત્વરિત કામગીરીને કારણે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતી અટકાવવામાં મહત્વની સફળતા મળી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ટૂંક સમયમાં આગ પાછળના કારણો સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
