Mumbai Fire: મલાડ પશ્ચિમમાં મઢ મારવે રોડ પર આવેલા `દાના પાની ભુલ્લર ગાર્ડન સ્ટુડિયો`માં વહેલી સવારે લાગી આગ; આગની દુર્ઘટનામાં સ્ટુડિયોનું ફર્નિચર, રેકોર્ડ્સ, પરફ્યુમ, એર કન્ડીશનીંગ યુનિટ અને શૂટિંગના સાધનોને થયું નુકસાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)માં આજે આગ લાગવાની વધુ એક ઘટના બની છે. આજે સવારે મલાડ (Malad)ના મઢ માર્વે રોડ (Madh Marve Road) પર આવેલા એક સ્ટુડિયોમાં આગ લાઘી હતી. સદ્નસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી.
મુંબઈના મલાડ વેસ્ટમાં મઢ મારવે રોડ પાસે આવેલા એક શૂટિંગ સ્ટુડિયો (Malad Studio)માં શુક્રવારે વહેલી સવારે આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી, જેને પગલે અગ્નિશમન દળના અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ આગમાં સ્ટુડિયોના સાધનો અને ઓફિસની માલમત્તાને નુકસાન પહોંચ્યું હતું, જોકે થોડા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC) અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે સમયસર પહોંચી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનતી અટકી હતી.
ADVERTISEMENT
શૂટિંગ સ્ટુડિયોમાં વહેલી સવારે લાગી આગ
મલાડ પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક લોકપ્રિય આઉટડોર શૂટિંગ લોકેશન પર શુક્રવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી, જેમાં સ્ટુડિયોના સાધનો અને ઓફિસના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. મઢ મારવે રોડ પર યોગ આશ્રમ (Yoga Ashram) પાસે બનેલી આ ઘટનામાં ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર, સવારે ૬.૧૩ વાગ્યે `દાના પાની ભુલ્લર ગાર્ડન સ્ટુડિયો` (Dana Pani Bhullar Garden Studio)માં આગ લાગી હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade), સ્થાનિક પોલીસ (Mumbai Police) અને BMCના પી-નોર્થ વોર્ડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્ટુડિયોનું ફર્નિચર બળીને ખાખ
અગ્નિશમન દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાયરિંગ અને અન્ય ઉપકરણો સુધી મર્યાદિત હતી. પરંતુ વોલપેપર, ફોર્મ મેટ્રિસિસ, કાર્પેટ, વાંસ અને લાકડાના ફર્નિચર જેવી જ્વલનશીલ સામગ્રીને કારણે તે ઝડપથી ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં ઓફિસનું ફર્નિચર, રેકોર્ડ્સ, પરફ્યુમ, એર કન્ડીશનીંગ યુનિટ અને શૂટિંગના સાધનોને પણ નુકસાન થયું છે.
સ્ટુડિયોના પરિસરમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ વન માળના માળખામાં અંદાજે પાંચથી છ ગાળાઓમાં ફેલાયેલી આ આગે લગભગ ૩,૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારને લપેટમાં લીધો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે ચાર ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર અને એક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી.
ત્રણ કલાકમાં આગ પર કાબૂ મેળવાયો હતો
આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર અને અનેક સ્ટેશન ઓફિસરો સહિતના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સવારે ૯.૧૨ વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
