ડિરેક્ટરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૯.૯૫ કરોડ રૂપિયાનું ૧૨.૫ કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું અને એ બદલ છ જણની ધરપકડ કરી હતી.
મીણ સાથે સોનાનો પાઉડર ભેળવીને એના નાના-નાના ૨૪ લંબગોળાકાર બૉલ્સ બનાવીને સોનું સ્મગલ કરાયું હતું.
ડિરેક્ટરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ૯.૯૫ કરોડ રૂપિયાનું ૧૨.૫ કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું અને એ બદલ છ જણની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ ઍરપોર્ટના જ કર્મચારીઓ હોવાનું જણાઈ આવ્યું છે. સોનાના પાઉડરને મીણ સાથે ભેળવી દઈ એના ૨૪ નાના-નાના ગોળા બનાવીને આ સોનું દાણચોરીથી ભારતમાં લાવવામાં આવ્યું હતું. આ ૧૨.૫ કિલોગ્રામ સોના સાથે છેલ્લા બે જ દિવસમાં ૩૬ કિલોગ્રામ દાણચોરીનું સોનું ઍરપોર્ટ પરથી પકડાયું છે.
DRIને ચોક્કસ માહિતી મળી હતી કે સોનાની દાણચોરી થવાની છે. વળી એ સોનું ઍરપોર્ટનો જ કર્મચારી અને બહારના ફૂડ-સ્ટૉલનો સ્ટાફ બહાર કાઢી આપવાનો હતો. એથી આ બાબતે અલર્ટ રહી DRIના ઑફિસરોએ કાળજીપૂર્વક ઑપરેશન હાથ ધરી આ સોનું પકડી પાડ્યું હતું. સાથે જ ત્રણ સ્ટાફ-મેમ્બર્સ અને એ દાણચોરીનું સોનુ રિસીવ કરવા આવેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. DRIએ માહિતી આપતાં કહ્યું હતું કે આ સિન્ડિકેટની મોડસ ઑપરેન્ડી એ હતી કે તેઓ ઇન્ટરનૅશનલ પૅસેન્જર પાસેથી એ દાણચોરીનું સોનું કલેક્ટ કરી લેતા હતા અને ત્યાર બાદ ઍરપોર્ટમાંથી બહાર કાઢી પાર્ટીને સોંપી દેતા હતા.