ચેમ્બુરમાં ગઠિયો ટીવીનું સેટ ટૉપ બૉક્સ રિપેર કરવાના બહાને બે તોલાની બંગડી તડફાવી ગયો : ગુજરાતી વૃદ્ધા ઘરે એકલાં હતાં ત્યારે અજાણ્યો યુવાન કળા કરી ગયો
શૈલાબહેન જ્યાં રહે છે એ બાલઅંબિકા બિલ્ડિંગ.
ચેમ્બુરના છેડાનગરમાં બાલઅંબિકા બિલ્ડિંગમાં રહેતાં ૭૬ વર્ષનાં શૈલા શાહના ઘરે શુક્રવારે બપોરે ટીવીનું સેટ ટૉપ બૉક્સ રિપેર કરવાના બહાને આવીને અજાણ્યો યુવાન આશરે બે તોલાની બંગડીઓ તડફાવી ગયો હોવાની ફરિયાદ શુક્રવારે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. તે યુવાને સેટ ટૉપ બૉક્સ રિપેર કરવાનું નાટક કરી અંદર રહેલું કાર્ડ બહાર કાઢી એને સાફ કરવા શૈલાબહેને પહેરેલી બંગળીઓ પોતાના હાથમાં લઈને તેમને કિચનમાંથી પાણી લાવવા કહ્યું હતું. એ પછી તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરીને આરોપીની ઓળખ કરવા નજીકના વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.
પપ્પાએ આપેલી ભેટ બંગડી મમ્મી વર્ષોથી હાથમાં પહેરતી હતી અને શુક્રવારની ઘટનામાં પપ્પાની એ જ યાદગીરી ઘરમાં ચોરીના ઇરાદે આવેલો ગઠિયો લઈ ગયો એમ જણાવીને શૈલાબહેનની પુત્રી વૈશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ મમ્મી ઘરે એકલી હતી ત્યારે એક યુવાન આવ્યો હતો. તેણે સેટ ટૉપ બૉક્સ અપડેટ કરવા આવ્યો છું એમ દરવાજા નજીક ઊભા રહીને મમ્મીને કહ્યું હતું એટલે મમ્મીએ તેને ઘરની અંદર આવવા દીધો હતો. ત્યાર પછી તેણે TV નજીક રહેલા સેટ ટૉપ બૉક્સમાંથી એક કાર્ડ કાઢ્યું હતું અને સામે ઊભેલી મારી મમ્મીને કહ્યું કે તમારા હાથમાં રહેલી બંગડી મને કાઢીને આપો, મારે આ કાર્ડ પર ઘસવી છે. એટલે મમ્મીએ પહેલાં એક બંગડી કાઢીને આપી હતી. થોડી વારમાં તે યુવાને બીજી બંગડી પણ માગી એટલે મમ્મીએ એ પણ કાઢીને આપી દીધી હતી. આ દરમ્યાન તે યુવાને મમ્મીને પૂછ્યું કે તમારા ઘરમાં પાંચ રૂપિયાની નોટ છે? મમ્મીએ ના પાડતાં આવેલા યુવાને પાણી અને એક કપડું માગ્યું હતું. મમ્મી કિચનમાં એ લેવા ગઈ એટલી વારમાં યુવાન ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. મમ્મીએ બાલ્કનીમાંથી જોયું તો તે યુવાન બાઇક પર બેસીને નાસતો દેખાયો હતો. આ ઘટના બાદ મમ્મીએ મને ફોન કરતાં તાત્કાલિક હું ઘરે પહોંચી હતી અને પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’